Geo Gujarat News

ભરૂચ: ખાખીનું સપનું આંખોમાં જ રહી ગયું, પોલીસ ભરતીની દોડ જીતનાર કચ્છનો યુવાન જિંદગીની જંગ હારી ગયો !

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના મેદાન પરથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસ દળમાં જોડાવાની પ્રબળ ઈચ્છાશક્તિ સાથે આવેલો એક આશાસ્પદ યુવાન કાળનો પંજો છીનવી ગયો છે. મૂળ કચ્છના અને PSI બનવાનું લક્ષ્ય રાખનાર ૨૫ વર્ષીય રવિરાજ જાડેજાએ શારીરિક કસોટી અંતર્ગત નિર્ધારિત દોડ તો સફળતાપૂર્વક પૂરી કરી લીધી હતી, પરંતુ આ જીતની ખુશી માણે તે પહેલા જ કુદરતે ખેલ ખેલી નાખ્યો. દોડ પૂર્ણ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ રવિરાજને તીવ્ર ગભરામણ થતા તેઓ મેદાન પર જ ફસડાઈ પડ્યા હતા. સ્થળ પર હાજર મેડિકલ ટીમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ અંતે રવિરાજનું અવસાન થતા ભરતી પ્રક્રિયાના ઉત્સાહભર્યા માહોલમાં માતમ છવાઈ ગયો હતો.આ ઘટનાની સૌથી કરુણ કડી એ છે કે રવિરાજના લોહીમાં જ ‘ખાખી’ પ્રત્યેનું ઝનૂન હતું. તેમના પિતા મહેન્દ્રસિંહ જાડેજા પોતે વડોદરા SRPમાં ASI તરીકે ફરજ બજાવી દેશસેવા કરી રહ્યા છે. પિતાના પગલે ચાલીને પોલીસ અધિકારી બનવાની રવિરાજની જીદ અને મહેનત મેદાન પર તો દેખાઈ, પણ વિધિની વક્રતાએ એક પિતાના ખભા પરથી પુત્રના ખાખી વર્દીમાં સજ્જ થવાના સપનાને કાયમ માટે છીનવી લીધું.

હાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા મૃત્યુના સચોટ કારણો જાણવા માટેની તપાસ શરૂ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.