વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCની અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડીરાત્રે ભયાનક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં ચાલતી રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક ગરમ રાખ (એશ) છલકાઈ પડતા ચાર મિકેનિકલ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, બોઇલર વિભાગમાં લાગેલા બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના બોલ્ટ ઢીલા પડી જતા તે પોતાની જગ્યાએથી ખસી ગયા હતા. આ ખામી દૂર કરવા માટે રાત્રે અંદાજે 1:10 વાગ્યાના સમયે મિકેનિકલ ટીમ દ્વારા રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ સંપૂર્ણપણે ડિસલોકેટ થતાં સાયલોમાં સંગ્રહિત અત્યંત ઉકળતી રાખ જોરદાર રીતે બહાર આવી અને ત્યાં કામ કરી રહેલા ચારેય કર્મચારીઓ તેના ઝપટે આવી ગયા હતા.
ગરમ રાખ સીધી શરીર પર પડતાં કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાના પગલે કંપની પરિસરમાં ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. સાથી કર્મચારીઓની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર જણાતા ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા અકસ્માત પાછળના કારણો, મશીનરીની સ્થિતિ તેમજ કંપનીમાં સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન થતું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com