Geo Gujarat News

વાગરા-પહાજ માર્ગ પર ફાટક નં.23 પર ટેક્નિકલ ખામી, અડધો કલાક ટ્રાફિક ઠપ્પ, ટેક્નિકલ ખામીની કિંમત જનતાએ ચૂકવી..

વાગરા-પહાજ માર્ગ પર આવેલી ૨૩ નંબરની રેલવે ફાટક પર આજે ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે પરેશાનીમાં મુકાયા હતા. અચાનક કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા ફાટક લાંબા સમય સુધી બંધ રહી હતી. જેના કારણે માર્ગ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફાટક અંદાજે અડધા કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ફાટક બંધ રહેતા GEB ચોકડીથી લઈ સાંચણ કેનાલ સુધી વાહનોની લાંબી લાઈનો નજરે પડી રહી હતી. બે પહિયા વાહનોથી લઈને ભારે વાહનો સુધીના ચાલકો ગરમી અને મોડાશીથી હેરાન થઈ ગયા હતા. આ દરમિયાન ફાટકમેન અને કેટલાક વાહન ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. નોકરીયાત વર્ગના લોકો, વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલ જવા નીકળેલા દર્દીઓ અને તેમના સ્વજનો ટ્રાફિકજામમાં અટવાઈ પડતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
મેન્ટેન્સ માટે આવેલ ટીમના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ફાટકમાં ગઈકાલ સાંજથી જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, ખામી અગાઉથી હોવા છતાં સમયસર રીપેરિંગ કેમ કરવામાં આવ્યું નહીં તે મુદ્દે વાહન ચાલકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. લોકોના વધતા રોષને ધ્યાને લઈને અંતે રેલગાડી પસાર કર્યા બાદ ફાટક ખોલવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક ધીમે ધીમે હળવો બન્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ફાટકોની સમયસર જાળવણી બાબતે તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.