વાગરા તાલુકાના દહેજ PCPIR અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દીપક ગ્રુપની CSR પહેલ અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા નિર્મિત દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે. 50 બેડની ક્ષમતા ધરાવતી આ અત્યાધુનિક હોસ્પિટલ દહેજ જેવા મોટા ઔદ્યોગિક હબમાં જીવનરક્ષક કવચ સાબિત થશે. અત્યાર સુધી ગંભીર અકસ્માત કે ઈમરજન્સીના કિસ્સામાં દર્દીઓને 55 કિમી દૂર ભરૂચ સુધી દોડવું પડતું હતું, પરંતુ હવે આ સુવિધાના કારણે કટોકટીના સમયે ગોલ્ડન અવરમાં જ ત્વરિત સારવાર મળવી શક્ય બનશે.
આ હોસ્પિટલને ઔદ્યોગિક જોખમોને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવી છે, જેમાં કેમિકલ બર્ન્સ અને ગંભીર ઈજાઓ માટે સ્પેશિયલ પ્રોટોકોલ સાથેની એડવાન્સ્ડ ટ્રોમા અને ICU વિંગ કાર્યરત કરવામાં આવી છે. અહીં માત્ર ઔદ્યોગિક અકસ્માતો જ નહીં, પરંતુ જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, સ્ત્રીરોગ, આંખ અને નાક-કાન-ગળાની નિષ્ણાત સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. 24 કલાક ડાયગ્નોસ્ટિક લેબ અને ઇમરજન્સી ફાર્મસીની સુવિધા સાથે આ હોસ્પિટલ SEZ ના હજારો કર્મચારીઓ સહિત આસપાસના 44 ગામોના રહીશો માટે વરદાનરૂપ બનશે.
ઉદઘાટન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, CDHO ડો.મુનિરા શુક્લા અને દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. રૂચિ મહેતા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે હોસ્પિટલના વિકાસ માટે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ તરફથી કુલ 22 લાખના માતબર અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉપયોગ હોસ્પિટલની ટેકનોલોજી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com