ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોઈ, તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓમાં તેજી લાવવામાં આવી છે. કાર્યક્રમની સફળતા માટે આજે આમોદ સ્થિત રેવા સુગરના મેદાનમાં વિશાળ અને આયોજનબદ્ધ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.
રીહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને શિસ્ત સાથે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની હાજરીથી મેદાનમાં ઊર્જાભર્યો માહોલ સર્જાયો હતો. બીજી તરફ જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરી શિસ્ત અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા કરાયેલા ડેમોને દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને સુરક્ષા તૈયારીઓની મજબૂતી દર્શાવી હતી.
રીહર્સલ દરમિયાન રાષ્ટ્રગીતના ગુંજનથી સમગ્ર રેવા સુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ ક્ષણોએ ઉપસ્થિત તમામમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાવી હતી. આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી, આમોદ-જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડી.વાય.એસ.પી. બી.એલ. ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના ભવ્ય કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દરેક રીતે તૈયાર હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023