Geo Gujarat News

ભરૂચ: જિલ્લા જેલના બંદીવાનો બનશે જવાબદાર વાહનચાલકો, RTO અને પ્રયાસ સંસ્થા દ્વારા અપાયું ટ્રાફિક સેફ્ટીનું પ્રશિક્ષણ

ભરૂચ જેલના સળિયા પાછળ રહેલા બંદીવાનો જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરે ત્યારે તેઓ એક જવાબદાર નાગરિક તરીકે વર્તે તેવા ઉમદા હેતુ સાથે ભરૂચ જિલ્લા જેલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. કચેરી અને પ્રયાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કેદીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગ અકસ્માત નિવારણની વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ અનોખી પહેલ દ્વારા બંદીવાનોને કાયદાકીય જ્ઞાનની સાથે રસ્તા પરની શિસ્ત અંગે પણ માહિતગાર કરાયા હતા.કાર્યક્રમ દરમિયાન RTO ઇન્સ્પેક્ટર એન.જી. સેંજણીયાએ ટ્રાફિકના જટિલ કાયદાઓને સરળ ભાષામાં સમજાવ્યા હતા, જ્યારે વર્ષા પરમાર અને તેજસ પ્રજાપતિએ સુરક્ષિત ડ્રાઇવિંગ પદ્ધતિઓ તથા હેલ્મેટ-સીટબેલ્ટ જેવા સુરક્ષા સાધનોની અગત્યતા વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ દ્વારા માહિતી આપી હતી. ‘પ્રયાસ’ સંસ્થાના આશિષ બારોટ અને તેમની ટીમની ઉપસ્થિતિમાં બંદીવાનોને લાયસન્સ મેળવવાની કાયદેસરની પ્રક્રિયા વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના અંતે બંદીવાનોએ સંકલ્પ કર્યો હતો કે તેઓ જેલમુક્ત થયા બાદ રસ્તા પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરશે અને અન્ય લોકોના જીવનની સુરક્ષા પ્રત્યે પણ સજાગ રહેશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.