Geo Gujarat News

ભરૂચ રેલવે સ્ટેશન પર ખાખીનો માનવતાવાદી ચહેરો. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી યુવતીને PSIએ મોતના મુખમાંથી ઉગારી

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટનામાં રેલવે પોલીસની સમયસૂચકતાને કારણે એક યુવતીનો જીવ બચી ગયો છે. લખનઉ વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ જ્યારે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક 19 વર્ષીય યુવતીએ જોખમી રીતે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે સામાન સાથે સંતુલન ગુમાવતા યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની સાંકડી જગ્યામાં ફસાઈ ગઈ હતી, જેનાથી મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ કટોકટીની પળોમાં પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.કે. રાણા ‘દેવદૂત’ બનીને મદદે આવ્યા હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવતીને પકડી લીધી હતી અને પોતાની પૂરી તાકાત લગાવીને તેને બહાર ખેંચી લીધી હતી.પીએસઆઈ રાણાની આ ત્વરિત કાર્યવાહીને કારણે યુવતી મોતના મુખમાંથી હેમખેમ બહાર આવી હતી. આશ્ચર્યજનક રીતે, જીવ બચી ગયા બાદ યુવતીને આશ્વાસન આપી ફરીથી તે જ ટ્રેનમાં સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી. રેલવે પોલીસના “મિશન સેફ સ્ટેશન” હેઠળ કરવામાં આવતા પેટ્રોલિંગ અને સતર્કતાને કારણે આજે એક મોટી જાનહાનિ ટળી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ સતત મુસાફરોની સુરક્ષા માટે કાર્યરત છે, ત્યારે આ કિસ્સાએ પોલીસની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી છે. જોકે, આ બનાવ બાદ રેલવે તંત્રએ મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે, ક્યારેય પણ ઉતાવળમાં કે ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે આવી નાની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.