Geo Gujarat News

ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, CMના પ્રવાસ પૂર્વે ‘ડેન્જર મેલ’ આવતા તંત્ર દોડતું થયું, આખું પરિસર ખાલી કરાવાયું

ઔદ્યોગિક નગરી ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના ધામ સમાન જિલ્લા અદાલતને જ નિશાન બનાવવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે ઈ-મેલ મોકલીને ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપતા પોલીસ બેડા સહિત વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ધમકી મળતાની સાથે જ કોર્ટની કાર્યવાહી થંભાવી દેવામાં આવી હતી અને સંભવિત ખતરાને ટાળવા માટે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવીને ‘કિલ્લેબંધી’ કરી દેવામાં આવી હતી. ધમકીભર્યા મેલની ગંભીરતાને સમજીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર સેંકડો વકીલો, પક્ષકારો અને ન્યાયિક કર્મચારીઓમાં ક્ષણવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષા દળો દ્વારા કોર્ટના દરેક ટેબલ, કબાટ અને ખૂણેખૂણાની મેટલ ડિટેક્ટર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ લાદી દેવાયો હતો.સૌથી મહત્વની વાત એ છે કે, આવતીકાલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભરૂચમાં મહત્વનો પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. મુખ્યમંત્રીના પ્રવાસના ગણતરીના કલાકો પહેલાં જ આ પ્રકારનો ધમકીભર્યો મેલ આવતા ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ વધુ સતર્ક બની છે. પોલીસે હવે ટેકનિકલ સેલની મદદથી આ ‘મેઈલ’ પાછળ કયાં અસામાજિક તત્વોનો હાથ છે અને આ માત્ર કોઈની તોફાની હરકત છે કે કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસે સાયબર એક્સપર્ટ્સની મદદ લઈને મેઈલનું ઓરિજિન શોધવા માટે મથામણ શરૂ કરી દીધી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.