ગાંધીનગરના કડીથી મહારાષ્ટ્ર જઈ રહેલા પામોલીન તેલના વિશાળ જથ્થા પર ટેન્કર ચાલકે દાનત બગાડી, માલિક સાથે લાખોનો વિશ્વાસઘાત કર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વાપીના અનિલ મિશ્રાએ પોતાના ડ્રાઈવર સાજીદ અલી મોહમ્મદ ફારૂક પર ભરોસો મૂકીને કરોડોની મિલકત સમાન ટેન્કર સોંપ્યું હતું, પરંતુ આ લોભી ચાલકે રક્ષકને બદલે ભક્ષકની ભૂમિકા ભજવી હતી. ગત ૮મી માર્ચના રોજ કડીની જી-૧ એગ્રો પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાંથી રૂ. ૩૮.૪૫ લાખની કિંમતનું ૨૮,૩૫૦ લિટર પામોલીન તેલ ભરીને આ ટેન્કર મહારાષ્ટ્રના બેલાપુર જવા નીકળ્યું હતું, પરંતુ મંજિલ પર પહોંચવાને બદલે ચાલકે મધરાતે તેલના જથ્થાને બારોબાર સગેવગે કરી નાખવાનો ખતરનાક ખેલ પાડ્યો હતો. પોતાના આર્થિક ફાયદા માટે અંધ બનેલા સાજીદ અલીએ માર્ગમાં જ તેલનો જથ્થો કોઈ અજાણ્યા શખ્સોને વેચી દીધો હતો અને પુરાવા નાશ કરવાના ઈરાદે ખાલી ટેન્કરને ૧૦મી માર્ચની રાત્રે અંકલેશ્વર હાઈવે પર આવેલી આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં તરછોડી દીધું હતું.
માલિક અનિલ મિશ્રાએ વારંવાર ફોન કરવા છતાં ડ્રાઈવરનો સંપર્ક ન થતા અને ફોન સ્વીચ ઓફ આવતા તેમને અનિષ્ટની શંકા ગઈ હતી. આખરે ટેન્કરમાં લાગેલા GPS લોકેશનને ટ્રેક કરતા તેનું લોકેશન અંકલેશ્વર દેખાતા માલિક તાબડતોબ ત્યાં પહોંચ્યા હતા. હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલા ટેન્કરની તપાસ કરતા અંદરથી તેલનો જથ્થો ગાયબ જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. ભરોસાપાત્ર ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી આ ‘તેલની ચોરી’ અને વિશ્વાસઘાત મામલે અનિલ મિશ્રાએ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ. ૩૮.૫૪ લાખના મુદ્દામાલની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ફરાર ચાલક સાજીદ અલીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર થતી આ પ્રકારની લૂંટ અને વિશ્વાસઘાતના કિસ્સાઓએ ટ્રાન્સપોર્ટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો ખરીદનાર રિસીવર કોણ છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com