દહેજ ઇન્ડસ્ટ્રીયલ હબમાં તસ્કર ટોળકીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. વાવ ગામની સીમમાં કાર્યરત માધવ ઇન્ડસ્ટ્રીઝને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની કિંમતના મટીરીયલ પર હાથફેરો કરી જતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. કંપનીમાં હાલ પ્લાન્ટના ફેબ્રિકેશન અને નવનિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોવાથી, વિવિધ કોન્ટ્રાક્ટરો માટે મંગાવેલું કિંમતી એસ.એસ. (સ્ટેઇનલેસ સ્ટીલ) મટીરીયલ કેન્ટીન પાસેની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યું હતું. તસ્કરોએ મોડી રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી, કોઈને ગંધ ન આવે તે રીતે આટલા મોટા જથ્થાની ચોરીને અંજામ આપ્યો છે. ઘટનાની વિગતો મુજબ, ગત ૯ માર્ચની રાત્રિ સુધી તમામ સામાન સલામત હતો, પરંતુ ૧૦ માર્ચની વહેલી સવારે જ્યારે કામદારો ફરજ પર હાજર થયા ત્યારે મેદાન ખાલી જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તસ્કરોએ ૪ ઇંચ અને ૬ ઇંચના એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, રેડ્યુસર અને અંદાજે ૫૦ મીટર જેટલો કિંમતી વેલ્ડિંગ કેબલ મળી કુલ રૂ. ૨,૬૬,૪૦૦ ના મટીરીયલની ઉઠાંતરી કરી છે.
આટલો મોટો અને વજનદાર સામાન ચોરી કરવા માટે કોઈ મોટા વાહનનો ઉપયોગ થયો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. માધવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ અંગે દહેજ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આર્થિક નુકસાનના આ આંકડાને આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ ચોરીમાં કંપનીના જ કોઈ જાણભેદુનો હાથ છે કે પછી કોઈ રીઢા તસ્કર ગેંગે આ ખેલ પાડ્યો છે. દહેજ જેવા સંવેદનશીલ ઉદ્યોગ પંથકમાં થયેલી આ ચોરીએ અન્ય ઉદ્યોગકારોમાં પણ ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com