Geo Gujarat News

જંબુસર: ખારાકુવા પાસે રહેણાંક મકાનમાં ચાલતું હતું કતલખાનું, પોલીસના દરોડામાં ડીપ ફ્રિજમાંથી મળ્યું માંસ, બે આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ.

જંબુસર શહેરમાં ધર્મના નામે કતલખાના ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ખારાકુવા મસ્જિદ પાસેના પાંચહાટડી વિસ્તારમાં ચાલતા એક ગેરકાયદેસર કતલખાના પર પોલીસે ઓચિંતો દરોડો પાડીને ૧૩૫ કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ શરમજનક ઘટનાની વિગતો એવી છે કે, મહમંદજાવીદ ઉર્ફે જાબ્બીર નામના શખ્સના રહેણાંક મકાનમાં કાયદાના લીરેલીરા ઉડાવીને ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. વહેલી સવારે જ્યારે દુનિયા પોઢી રહી હતી, ત્યારે જંબુસર પોલીસે પંચોની હાજરીમાં આ ‘ડેથ હાઉસ’ પર ત્રાટકીને ઓસરી અને ડીપ ફ્રિજમાં છુપાવેલું માંસ કબજે કર્યું હતું.ઘટનાની ગંભીરતાને જોતા પશુ ચિકિત્સક દ્વારા લેવાયેલા નમૂનાઓ તપાસ અર્થે સુરત સ્થિત FSL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આ માંસ ગૌવંશનું હોવાની પુષ્ટિ થતા જ પોલીસની શંકા હકીકતમાં ફેરવાઈ ગઈ હતી અને કાયદાનો ગાળિયો વધુ કસવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કતલ માટે વપરાતા તીક્ષ્ણ હથિયારો, ડીપ ફ્રિજ અને અન્ય સાધનો મળી કુલ ₹૩૩,૦૧૫નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પાશવી કૃત્યમાં સંડોવાયેલા મહમંદ સફી અને મહમંદ હનીફ ઈસ્માઈલ કુરેશીને પોલીસે દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર જાબ્બીર અને તેનો એક સાગરીત રિક્ષામાં બેસી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રવ્યૂહ રચ્યો છે.પકડાયેલા આરોપીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે, પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ એ તપાસશે કે આ કાળા કારોબારના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આ માંસ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું. જંબુસરમાં આ રીતે ગૌવંશની હત્યાની ઘટના સામે આવતા પશુપ્રેમીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અને પશુ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવા તત્વો માથું ઉચકતા સો વાર વિચાર કરે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.