Geo Gujarat News

નેત્રંગના મોટા જાંબુડામાં સનસનીખેજ હત્યાકાંડ, ગુમ થયેલી મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકમાં લપેટી જમીનમાં દાટેલી હાલતમાં મળ્યો, ગળું ટૂંપીને કોથળીમાં ભરી હતી

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ફરી એકવાર માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી મોટા જાંબુડા ગામમાંથી ગુમ થયેલી આશાસ્પદ આધેડ વયની મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. હત્યારાઓએ એટલી નિર્દયતાથી હત્યા કરી હતી કે લાશને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા જાંબુડા ગામના રહેવાસી હસુમતીબેન રસિકભાઈ વસાવા (ઉંમર ૪૮ વર્ષ) ગત તારીખ ૨૮/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના સમયે પોતાના ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો ન લાગતા, પતિ રસિકભાઈએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની નોંધ કરાવી હતી. ત્રણ દિવસથી શોધખોળ ચાલી રહી હતી, ત્યારે ગઈકાલે સવારે પરિવારજનો અને ગ્રામજનો ગુમ થયેલી મહિલાને શોધવા માટે ગામની સીમમાં ગયા હતા. શોધખોળ દરમિયાન, એક આંબાની વાડીના પાછળના ભાગે જમીનમાં નવી માટી ખોદેલી હોવાનું અને કંઈક અજીબ વાસ આવતી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. આ શંકાસ્પદ સ્થળ જોઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે નેત્રંગ પીઆઈ અને ડોકટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગ્રામજનો સાથે મળીને શંકાસ્પદ જગ્યા ખોદવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ જમીન ખોદાઈ તેમ તેમ વાસ વધુ તીવ્ર બની હતી. આખરે, જમીનમાંથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી. પોલીસ દ્વારા આ કોથળી ખોલીને જોતા અંદરથી ગુમ થયેલી હસુમતીબેનનો અત્યંત કોહવાયેલી અને વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ કરવા માટે બોલાવવામાં આવેલા તેમના પતિ અને પુત્રોએ લાશ પર પહેરેલા કપડાં પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા પાષાણહૃદયી ઈસમે હસુમતીબેનનું ગળું ટૂંપીને નિર્મમતાથી હત્યા કરી હતી.
ત્યારબાદ, ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને જમીનમાં દાટી દીધી હતી. નેત્રંગ પોલીસે મૃતકના પતિ રસિકભાઈની ફરિયાદને આધારે હત્યા અને પુરાવાનો નાશ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ જઘન્ય ગુના પાછળના કારણો અને હત્યારાઓની શોધખોળમાં વિવિધ ટીમો બનાવીને તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભય અને આક્રોશનો માહોલ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.