Geo Gujarat News

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પોલીસનો દરોડો, બેગમાં દારૂ છુપાવી જતી કોસમડીની મહિલા બુટલેગર ઝડપાઈ, વલસાડનું કનેક્શન ખુલ્યું

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેર એ-ડિવિઝન પોલીસની ટીમે રેલવે સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડીંગ ગોઠવીને કોસમડી ગામની એક મહિલા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં દારૂની કુલ 96 બોટલો મળી કુલ 33,800 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિગતો મુજબ, અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસની ટીમ રેલવે સ્ટેશન પરિસરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માહિતી મળી હતી કે કોસમડીમાં રહેતી તેજલ વસાવા નામની મહિલા દારૂનો જથ્થો લઈને પસાર થવાની છે. પોલીસે શંકાસ્પદ જણાતી આ મહિલાને અટકાવી તેની પાસેની બેગની તલાસી લેતા, તેમાંથી 180 ML ની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે 28,800 આંકવામાં આવી છે. પોલીસે દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ 33,800 નો મુદ્દામાલ કબજે કરી તેજલની ધરપકડ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આ નેટવર્કનું વલસાડ કનેક્શન પણ સામે આવ્યું છે. ઝડપાયેલી મહિલાએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને વલસાડના ઇમરાન નિસાર શેખે પૂરો પાડ્યો હતો અને તે આ જથ્થો કોસમડીના પરેશ બોરસે નામના શખ્સને આપવાની હતી. પોલીસે આ કબૂલાતના આધારે ઇમરાન અને પરેશને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળેથી મહિલા બુટલેગર ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.