ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગેસ એજન્સીમાંથી ૯૫૬ જેટલા ગેસ સિલિન્ડર ગાયબ હોવાનો ખુલાસો થયો છે. એજન્સીના માલિકે આ અંગે ગોડાઉન કીપર સામે ૧૭.૫૭ લાખથી વધુની આર્થિક ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, સુરતના પાલ-લે પોઈન્ટ વિસ્તારના રહેવાસી દિગ્વીજયસિંહ પ્રુથ્વીસિંહ વળવી ઝઘડિયા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવે છે. તેમની એજન્સી ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરે છે.

એજન્સીના ગોડાઉનમાં છેલ્લા ૧૩ વર્ષથી પિયુષ ભગુભાઈ ગામીત નામના ગોડાઉન કીપર કાર્યરત છે. ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી ત્યારે ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કુલ ૯૫૬ સિલિન્ડરની ઘટ જોવા મળી હતી. આ અંગે ગોડાઉન કીપર પિયુષ ગામીતને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી અને અમુક સિલિન્ડર વેચાઈ ગયા હોવાથી ઘટ પડી છે. જોકે, એજન્સી માલિક દિગ્વીજયસિંહે આ જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપરે ગોડાઉનમાંથી ૯૫૬ ભરેલા ગેસ સિલિન્ડર ગેરરીતે સગેવગે કર્યા છે. આ ગેરરીતિમાં રિફિલિંગ કિંમત રૂ. ૩,૭૧,૬૮૦ અને સિલિન્ડરની કિંમત રૂ. ૧૩,૮૬,૨૦૦ મળી કુલ રૂ. ૧૭,૫૭,૮૮૦ની આર્થિક નુકસાની થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com