અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે અંદાડા ગામમાં બનેલી ચેઈન સ્નેચિંગની સનસનાટીભરી ઘટનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ચાર રીઢા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકીએ એક વૃદ્ધાને નિશાન બનાવી લાખોની કિંમતનું સોનું ઝૂંટવી લીધું હતું, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને કારણે તેઓ લાંબો સમય પોલીસથી બચી શક્યા નહોતા. આ ઘટનાની વિગત એવી છે કે, ગત ૧૫ માર્ચની વહેલી સવારે અંદાડાની મંગલમ સોસાયટીમાં રહેતા નિરૂબેન પઢીયાર પોતાના ઘર પાસે આવેલા પાન-પડીકીના ગલ્લા પર દૈનિક કામકાજમાં વ્યસ્ત હતા. આ સમયે મોટરસાયકલ પર સવાર થઈને ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. ગ્રાહક હોવાનો ડોળ કરી એક યુવકે સિગારેટ અને ગુટખાની માંગણી કરી હતી. નાણાં ચૂકવવાના બહાને તેણે ઓનલાઈન પેમેન્ટની વાતો કરી નિરૂબેનનું ધ્યાન ભટકાવ્યું હતું. મહિલા કંઈ સમજે તે પહેલા જ તક ઝડપીને તસ્કરે તેમના ગળામાંથી સવા તોલાની સોનાની ચેઈન આંચકી લીધી હતી. મહિલાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા, જેના કારણે ગભરાયેલા લૂંટારુઓ પોતાનું બાઈક ઘટનાસ્થળે જ મૂકીને પગપાળા ભાગી છૂટ્યા હતા.

ભોગ બનનાર નિરૂબેને આ મામલે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા મોટરસાયકલ અને સ્થાનિક સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સઘન તપાસના અંતે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વેરેકર, સુમીત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરીહાર નામના ચાર યુવકોની અટકાયત કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી અંદાજે ૧.૭૦ લાખ રૂપિયાની કિંમતની લૂંટાયેલી સોનાની ચેઈન અને પેન્ડલ સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન પણ જપ્ત કર્યું છે. હાલ પોલીસ આ ટોળકીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં બનેલી અન્ય ચોરી કે લૂંટની ઘટનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com