ભરૂચ જિલ્લાના પરિવહન વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાગરા અને દહેજથી અમદાવાદ જતાં રૂટ પર નવી આધુનિક બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ નવી સેવા શરૂ થતા ઔદ્યોગિક રીતે મહત્વ ધરાવતા વાગરા અને દહેજ વિસ્તારમાં રહેતા લોકો તેમજ રોજગારીના કારણે અમદાવાદ આવજાવ કરતા મુસાફરોને મોટી રાહત મળી છે. લાંબા સમયથી સીધી અને સુવિધાજનક બસ સેવાની અપેક્ષા રાખતા સ્થાનિકોમાં નવી બસોના પ્રારંભને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોની સુરક્ષા, આરામ અને સમયબદ્ધ સેવા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગના વિવિધ ડેપોને નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. તેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગરા–અમદાવાદ અને દહેજ–અમદાવાદ રૂટ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ બસો શરૂ કરવામાં આવી છે. બસોના પ્રારંભ નિમિત્તે યોજાયેલા ઉદ્દઘાટન સમારંભમાં અનેક આગેવાનો, અધિકારીઓ, એસટી કર્મચારીઓ અને મુસાફર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવતાં સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસભર્યો બની ગયો હતો.
નવી બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, આધુનિક એન્જિન ટેક્નોલોજી અને મુસાફરોને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે મુસાફરી વધુ ઝડપી અને સુખદ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઔદ્યોગિક કેન્દ્રો તરીકે ઓળખાતા વાગરા અને દહેજથી સીધી અમદાવાદ કનેક્ટિવિટી મળતાં ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓને દૈનિક આવજાવમાં સરળતા રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પરિવહન સેવાઓનો વ્યાપ વધારીને અંતિમ વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે. ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજમેન્ટ દ્વારા મુસાફરોને વિશ્વાસ અપાયો હતો કે નવી બસ સેવાઓ સાથે ગુણવત્તા, સમયપાલન અને સલામતીના માપદંડોને વધુ મજબૂત બનાવવામાં સતત પ્રયત્નો કરવામાં આવશે. નવી સેવા શરૂ થતા સામાન્યજનોએ પણ ખુશી વ્યક્ત કરી પરિવહન સુવિધામાં થયેલા સુધારાને આવકાર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com