ભરૂચ શહેરના શીતલ સર્કલ વિસ્તારમાં આવેલી એક ટેટુ શોપમાં પોલીસના દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. સામાન્ય રીતે જ્યાં લોકો ટેટુ પડાવવા આવતા હોય છે, તે “શિવા ટેટુ” નામની દુકાનમાંથી ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઇટ પેટ્રોલિંગમાં વ્યસ્ત પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત આણ્યો છે. પીઆઈ એન.આર. ચૌધરીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડે જ્યારે આ દુકાન પર ઓચિંતો દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 252 નંગ બોટલ અને પાઉચ મળી આવ્યા હતા.
પોલીસે અંદાજે 2.51 લાખનો દારૂ અને અન્ય સામગ્રી મળી કુલ 2,56,175નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે ફાટા તળાવ વિસ્તારના રહેવાસી દીપક ઉર્ફે બોબી જેસીંગ વિરાસની સ્થળ પરથી ધરપકડ કરી છે. ટેટુની આડમાં દારૂનું વેચાણ કરવા પાછળ અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com