આમોદ નગરપાલિકા દ્વારા આમજનના પ્રશ્નોનું સ્થળ ઉપરજ નિરાકરણ લાવવા સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચાડવાના હેતુસર નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. પરંતુ પાલિકાના અણઘડ વહીવટને કારણે નિયત સમય પહેલાજ અધિકારીઓ સહિત કર્મચારીઓની પાંખી હાજરીને લઈ પ્રજામાં રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરોજ આમોદ નગરપાલિકા ખાતે પ્રજાની લાગણી, માંગણી તેમજ અપેક્ષા પૂર્ણ કરવા અંગેનો નવમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આમોદના મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઇ રાઠોડ, આમોદ શહેર આમોદ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કિશોરી તેમજ સગર્ભા બહેનોને આંગણવાડી કેન્દ્ર તરથી મહેમાનોના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આમોદ પાલિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ,આયુષમાન કાર્ડ, જન્મ મરણ નાં દાખલા,આવકનો દાખલો,સીટી સર્વે લગતી અરજીઓ વીજ કંપનીને લગતી અરજી સહિતની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય બાબત એ છે કે સેવાસેતુ કાર્યક્રમના આયોજન માટે નગરપાલિકા ધ્વારા આમોદ નગરમાં ઠેર-ઠેર રીક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સવારના ૯ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમ થકી આમ જનના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે નિયત કરાયેલ સમય પહેલાજ અધિકારીઓની પાંખી હાજરીને લઈ અનેકો અરજદારો અટવાઈ પડ્યા હતા. બપોરે ૩ વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા. જેથી વીલા મોઢે પરત ફરી રહેલ અરજદારે જણાવ્યું હતું કે કાર્યક્રમના પ્રારંભે અધિકારીઓ મોટા ઉપાડે ફોટોસેશન કરવા આવી ગયા હતા. જોકે બપોર બાદ કાર્યક્રમ સ્થળે કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે અરજદારોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.

બપોર બાદ સેવસેતુના કાર્યક્રમમાં રેશનકાર્ડમાં સુધારો કરવા માટે આવેલ અરજદાર અકબર બેલીમનાઓએ રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. કે વડાપ્રધાનના ફોટો સાથે છપાવેલ બેનરમાં સેવાસેતુ કાર્યક્રમનો ટાઈમ સવારે 9 થી સાંજે 5 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે. પરંતુ બપોર બાદ માત્ર આરોગ્યના કર્મચારીઓ સિવાય અહીંયા કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર નથી. તો શું આમોદ નગરપાલિકા પ્રજાના રૂપિયાથી માંડવા બાંધી, ખુરશીઓ મૂકી શુ માત્ર પ્રજાને હેરાન કરવા માટે આવા તાયફાઓ કરી રહી છે.? બપોર બાદ વીલા મોઢે પરત ફરી રહેલા અન્ય અરજદારોએ પણ નગરપાલિકા પ્રત્યે ભારે રોષ વ્યકત કર્યો હતો. અને પોતાના કામ કરાવ્યા વિનાજ ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના અણઘડ વહીવટના નમૂનાઓ અનેકોવાર મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરવામાં આવે છે. અનેકો રજૂઆતો કરવામાં આવે છે, કેટલાક અરજદારો કંટાળીને પાલિકા કચેરીએ ધસી આવી હલ્લાબોલ પણ કરે છે, કેટલાક લોકો પોતાની માંગણીઓને લઈ ધરણા કરે, ભૂખહળતાલ કરે, પરંતુ પરિણામ માત્ર શૂન્ય જોવા મળે છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર પણ વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે. પરંતુ એના શુભારંભનું મહુર્ત નીકળતું નથી.

નગરના અનેકો વિસ્તારમાં ગટરની સમસ્યા અનેકો રજુઆત બાદ હાલ પણ યથાવત જોવા મળી રહી છે. માત્ર અરજદારને આશ્વાસન આપવાના હેતુ પાલિકાના સત્તાધીશો સ્થળ તપાસ તો કરવામાં આવે છે. પરંતુ એનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવાનું મહુર્ત નીકળતું નથી. આમોદ નગરપાલિકાના અંધેર વહીવટને કારણે નગરની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. થોડા સમય પહેલાજ મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવતા પુરસારોડ નવીનગરી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ સ્થાનિકોની વેદનાનો અરીસો બતાવવામાં આવ્યો હતો. એટલુંજ નહીં આમોદ નગરપાલિકા સહિત કલેકટર કચેરી સુધીના દ્વાર પણ સ્થાનિકોએ ખખડાવ્યા હતા. પરંતુ સમસ્યા હજી પણ યથાવત રહી છે. ચોક્કસ અને કાયમી નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષફળ નિવડી રહી છે.

બીજી તરફ પાલિકા બ્યુટીફીકેસન કરવામાં લાગી છે. નગરનું બ્યુટીફીકેસન નગરની સ્વચ્છતા છે. પેહલા ઉભરાતી ગટરોના પ્રશ્નોનું નિરાકરણ લાવો અને પછી બ્યુટીફીકેસન કરો. જેવી માંગ જાગૃત નગરિકોમાંથી બુલંદ થવા પામી છે.

સતત વિવાદોના વમણમાં સપડાયેલી પાલિકા પ્રત્યે ચોમેરથી લોકો રોષ ઠાલવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ દર્પણ જોઈ પાલિકા જાગે છે કે પછી ચલતા હે તો ચલને ડો ની નીતિ અપનાવે છે. તે જોવું રહ્યું..
યાસીન દિવાન : આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com