- અન્ય સુગર ફેક્ટરીઓ કરતા વટારીયા સુગર દ્વારા શેરડીનો ઓછો ભાવ અપાતો હોવાની ખેડૂતોની ફરિયાદ
કિશાન સંઘ ગુજરાતના ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા વટારીયા સ્થિત ગણેશ સુગરને લેખિતમાં રજુઆત કરીને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન શેરડીનો ભાવ રૂપિયા ૩૦૦૦ આપવા માંગ કરવામાં આવી છે. કિશાન સંઘ દ્વારા આ બાબતે જણાવાયા મુજબ ચાલુ સાલે ગણેશ સુગર દ્વારા શેરડીના જે ભાવ નક્કી કરાયા છે તે અન્ય સુગર ફેકટરીઓની સરખામણીએ ઓછા છે, અને પોષણક્ષમ નથી. વધુમાં જણાવાયા મુજબ પાછલા ત્રણ વર્ષથી ગણેશ સુગરના ખેડૂત સભાસદો અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ભાવમાં નુકશાન વેઠી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે હાલ ગણેશ સુગર વટારીયા ખાતે કસ્ટોડિયન કમિટી વહિવટ કરે છે,કિશાન સંઘની રજુઆતમાં જણાવાયા મુજબ કસ્ટોડિયન કમિટી ગામેગામ ફરીને પારદર્શક વહિવટ આપવાની વાતો કરે છે, પરંતું બધી સગવડ હોવા છતાં સુગર દ્વારા ફક્ત ૧૩૦૦૦ ટન શેરડીનું પિલાણ કરાયું છે,જેને લઇને સભાસદો પર ૪ થી ૫ કરોડ રુપિયાનો બોજો પડ્યો છે. ઉપરાંત સંસ્થાની પરિસ્થિતિ નાજુક હોવા છતાં નવા પ્લાન્ટ માટે આયોજન કરાય છે. તે બાબત હાલના વહિવટકર્તાઓની મનમાની હોવાનું જણાવાયું હતું.

આ બાબતે કિશાન સંઘના ભરૂચ જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે ગણેશ સુગર દ્વારા ચાલુ સાલે ખેડૂતોને અપાયેલ શેરડીનો રૂપિયા ૨૫૦૦ નો ભાવ યોગ્ય નથી અને ખેડૂતોને પોષાય તેમ નથી. અને આ બાબતે વિરોધ વ્યક્ત કરવા ગતરોજ તા.૨ જીના રોજ ખેડૂતો સુગરની ઓફિસે ગયા ત્યારે ચેરમેન કે અન્ય કોઇ ડિરેક્ટર હાજર રહ્યા ન હતા. તેથી તેઓ ઇરાદાપૂર્વક સુગર ખાતે હાજર ના રહ્યા હોવાની લાગણી ખેડૂતોમાં જણાઇ હતી.જ્યારે વર્તમાન કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહજી મહીડા સાથે ટેલિફોન પર વાત કરતા મારે કોઈને જવાબ આપવાનો થતો નથી એમ કહીને એમણે ચેરમેન તરીકે ન શોભે એવી ભાષાનો ઉપયોગ કરી ફોન કાપી નાખ્યો હતો! કિશાનોની ફક્ત એકજ માંગ છે કે ધારીખેડા સુગર,પંડવાઇ સુગરને સમકક્ષ ભાવ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદોને મળવો જોઈએ. પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહિવટની મીઠી મીઠી વાતો કરનાર વર્તમાન કસ્ટોડિયન કમિટીની કાર્ય શૈલી પર ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં જણાવાયા મુજબ જો ખેડૂતોની માંગણી નહિ સંતોષાય તો ભવિષ્યમાં કિશાનો દ્વારા જે કોઇ નિર્ણય લેવાશે તેના પરિણામ માટે હાલની કસ્ટોડિયન કમિટી જવાબદાર રહેશે,એવી ચીમકી ઉચ્ચારી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com