Geo Gujarat News

વાગરા: દહેજની દિપક ફીનોલેક્સ કંપની દ્વારા વરસાદી પાણીની ઓથમાં છોડાયું દુષિત પાણી, GPCB એ તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની ઔદ્યોગિક વસાહતમાં આવેલ દિપક ફીનોલેક્સ નામની કંપની દ્વારા ગતરોજ કંપનીના ગેટની બાજુની દિવાલમાં બાકોરૂ પાડીને પ્રદુષિત કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીની ઓથમાં છોડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબીને રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે અધિકારીઓ દ્વારા કંપની ખાતે આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન કેવી વિગતો બહાર આવી તેની કોઇજ જાણકારી આ લખાય રહ્યું છે. ત્યાં સુધી મળી શકી નથી. દિપક ફીનોલેક્સ કંપની દ્વારા પ્રદુષણ નિયંત્રણ સંબંધી નિયમોનું સરેઆમ ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી ખરેખર આવી જાહેરમાં પ્રદુષણ છોડનાર કંપનીને બંધ કરાવવી જોઇએ, ત્યારે જીપીસીબી ના તપાસ અધિકારીઓ કેવા શિક્ષાત્મક પગલા લેશે એ બાબતે ભરૂચ જિલ્લાના લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. આ કંપનીના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી જાહેરમાં વરસાદી કાસમાં છોડવામાં આવતા પર્યાવરણના નિયમોનો પણ સરેઆમ ભંગ થયો હોવા ઉપરાંત દહેજ, અંભેટા જેવા ગામોની જનતાના આરોગ્ય માટે પણ આ બાબત ખતરા સમાન હોઇ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવી બેજવાબદાર કંપનીને ખરેખર બંધ કરવી જોઇએ એવી પંથકના જાગૃત લોકોમાંથી માંગ ઉઠવા પામી છે,જેથી ભવિષ્યમાં અન્ય કોઇ કંપની પણ આવું કૃત્ય કરતા પહેલા વિચાર કરે..

પર્યાવરણ પર ખતરારૂપ કેમિકલ યુક્ત પાણીના પ્રદુષણના કારણે આવી કંપનીના લાપરવાહ સત્તાધીશો માનવ જાત સહિત પ્રાણી,પશુ, પંખીના સ્વાસ્થ્ય માટે પણ જવાબદાર ગણાય.?

હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી જિલ્લાની ઘણી કંપનીઓ ચોમાસુ પાણીની ઓથમાં કેમિકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવાની હીન પ્રવૃત્તિઓ કરતી હોય છે,આજ રીતે દિપક ફીનોલેક્સ જેવી મોટી કંપની દ્વારા પણ વરસાદના પાણીની આડમાં કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર છોડવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં પર્યાવરણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી બેફામ બનેલી કંપનીઓ સામે જીપીસીબી અને જિલ્લા કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જાહેરમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને મોટું નુકશાન થાય છે, તેમજ વરસાદી કાંસોમાં થઇને ખાડીઓમાં જતું આ પ્રદુષિત પાણી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થતા હોય છે.

દહેજની દિપક ફીનોલેક્સ કંપની દ્વારા જાહેરમાં છોડવામાં આવેલ પ્રદુષિત પાણી બાબતે જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબીને એક જાગૃત નાગરીક દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડતા થયા હતા પરંતું હવે તપાસના અહેવાલ બાદ કઇ વિગતો બહાર આવશે તેના પર હાલતો સહુની નજર છે. જોકે આ તપાસમાં ભીનું સંકેલાય તેવી પણ દહેશત તો રહેલીજ છે.? આ કંપની દ્વારા જીવસૃષ્ટિ અને પર્યાવરણને ગંભીર અસર પહોંચે તેવું કૃત્ય કરવામાં આવતા ખરેખર આ કંપનીને બંધ કરી શિક્ષાત્મક પગલા ભરાવા જોઇએ એવી માંગ પંથકના જાગૃત લોકોમાંથી ઉઠવા પામી છે. પ્રવાહી પ્રદૂષણના નુકશાનકારક તત્વો પાણીમાં ભળતા જનજીવન તેમજ ખેતીની જમીન માટે પણ ખતરારૂપ સાબિત થાય છે. ઔદ્યોગિક પ્રદુષણથી લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદો ઉભી થાય અને લોકો વિવિધ શારીરિક બિમારીઓનો ભોગ બનતા હોય છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દરરોજ લગભગ ૨૫ હજાર લોકોના પ્રદૂષિત પાણીને લગતા રોગોથી મોત થાય છે. પ્રવાહી પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જતા ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થતું હોવાની સંભાવના પણ રહેલી છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જે પીવાના ઉપયોગમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે.

જીપીસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરીને લાપરવાહ કંપનીને પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ બંધ શા માટે ન કરવી જોઇએ.?

ત્યારે જાહેરમાં પ્રદુષિત પાણી છોડનાર દહેજની દિપક ફિનોલેક્સ કંપનીને કસુરવાર ઠેરવીને બંધ કરવી જોઇએ તોજ અન્ય કંપનીઓ પણ આ વાતથી ધડો લઇને આવી હીન પ્રવૃત્તિ કરતા અચકાશે. ત્યારે જીપીસીપીના અધિકારીઓ લોકહિતના અનુસંધાને આ બાબતે ન્યાયિક અને તટસ્થ ભુમિકા અપનાવે તે જરુરી છે. તેમજ જિલ્લાના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આ બાબતે સઘન કાર્યવાહી થાય તેવી લોકમાંગ જિલ્લાની જનતામાંથી ઉઠવા પામી છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *