મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૪ થી તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન ‘નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લામાં પણ આજે તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૪ થી તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૪ દમ્યાન ‘નારી વંદન ઉત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. કાર્યક્રમની રૂપરેખા વિગતવાર જોઇએ તો, ૧લી ઓગસ્ટ-૨૦૨૪ ગુરૂવારના રોજ મહિલા સુરક્ષા દિન તરીકે ઉજવાશે. તા. ૨ ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા.૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
મહિલાઓના સર્વાગી વિકાસના મહત્વનાં પરિબળો આધારિત વિવિધ થીમ ઉપર ભવ્ય કાર્યક્રમો યોજાશે
‘નારી વંદન’ સપ્તાહ દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, ગુડ ટચ બેડ ટચ, બાલ પંચાયત, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનાર, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા, મેનસ્ટ્રુઅલ હાઈઝીન અંગેનો જાગૃતિ કાર્યક્રમ,કોશોરી મેળા, હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, મહિલા રોજગાર ભરતી મેળો, જિલ્લામાં નેતૃત્વ કરતી મહિલાઓ માટેનો સન્માન કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર, મહિલા જાગૃતિ શિબિર, રેલી, એનિમિયા ટેસ્ટિંગ, આરોગ્ય પોષણ અંગેનો જાગૃતિ કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com