Geo Gujarat News

ભરૂચ: જિલ્લાની ઔદ્યોગિક કંપનીઓમાં ઉંચાઇ પર જોખમી રીતે કામ કરતા કામદારો, ફેકટરી ઇન્સ્પેક્ટરને કરાઈ ફરિયાદ

પાનોલીની સ્ટીમ હાઉસ કંપનીમાં ૧૦૦ ફુટ જેટલી ઉંચાઇ પર સુરક્ષા સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડ્યા :- ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ બાદ જિલ્લાના ઘણા સ્થળોએ ઔદ્યોગિક વસાહતો અસ્તિત્વમાં આવી. ઉધોગોએ ઘણાબધા નિયમોનું પાલન કરવાનું હોય છે,છતાં જિલ્લાના દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા જેવા સ્થળોએ આવેલ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યરત ઉધોગો પૈકી ઘણી ઔદ્યોગિક કંપનીઓ દ્વારા જરૂરી નિયમો જળવાતા નથી એવી વ્યાપક લોકબુમો ઉઠવા છતાં જાડી ચામડીના ઉધોગ સંચાલકો દ્વારા જરૂરી નિયમોની એસી કી તૈસી કરાતી હોવાનું પણ સામે આવતું હોય છે. મળતી વિગતો મુજબ જિલ્લાના પાનોલી સ્થિત જીઆઇડીસીની સ્ટીમ હાઉસ નામની કંપનીની કથિત બેદરકારી દર્શાવતી ઘટના સામે આવતા જિલ્લાના ઉધોગોની કાર્ય પ્રધ્ધતિ સામે સવાલો ઉઠવા પામ્યા છે. આજરોજ સ્ટીમ હાઉસ કંપનીમાં લગભગ ૧૦૦ ફુટ જેટલી ઉંચાઇ ધરાવતી ચિમનીના બાંધકામ પરની ઉંચાઇએ દોરડીના સહારે બાંધેલ વાંસના પાલખ પર જોખમી રીતે કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. સામાન્યરીતે ઔદ્યોગિક કંપનીઓમાં ઉંચાઇ પર કામ કરતા કામદારોએ માથા પર હેલ્મેટ ઉપરાંત સેફ્ટી બુટ અને સેફ્ટી બેલ્ટ જેવા સુરક્ષા સાધનો ઉપયોગમાં લેવાના હોય,પરંતું સ્ટીમ હાઉસ કંપનીમાં લગભગ ૧૦૦ ફુટ જેટલી ઉંચાઇ પર વાંસના પાલખ પર ઉભા રહીને કામ કરતા કામદારો હેલ્મેટ તેમજ અન્ય કોઇપણ જાતના સેફ્ટી સાધનો ઉપયોગમાં લીધા વગર જોખમી રીતે કામ કરતા હોવાનું નજરે પડ્યું હતું.

એક જાગૃત નાગરીક દ્વારા કંપનીની કથિત બેદરકારીને લઇને ફેકટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવામાં આવી :- એક જાગૃત નાગરીકે આ અંગે ફેકટરી ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરી ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ નહિ મળતા જાગૃત નાગરીક દ્વારા ફરજમાં કથિત બેદરકારી દાખવનાર ફેકટરી ઇન્સ્પેક્ટર પર કોર્ટ રાહે પગલા ભરાનાર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ બાબતે કંપની બહાર ઉભેલ જવાબદાર જેવી જણાતી વ્યક્તિ તરફથી કોઇપણ જાતનો વ્યવસ્થિત જવાબ નહી મળતા આ અંગે કંપનીના સેફ્ટી મેનેજરનું ફોન દ્વારા ધ્યાન દોરવામાં આવતા કંપનીના આ જવાબદાર અધિકારી તરફથી પણ બાય બાય ચારણી જેવો બેજવાબદારી યુક્ત જવાબ મળતા ફરિયાદ કોને કરવી તે બાબતે પ્રશ્નાર્થ સર્જાયો હતો ! કંપનીના આ જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ આ જવાબદારી જેતે કોન્ટ્રાક્ટરની છે ! અને કોન્ટ્રાક્ટરને માથે નાંખી દઇને કંપનીના જવાબદાર ગણાતા અધિકારીજ જો છટકી જતા હોય તો ફરિયાદ કોને કરવી એને લઇને સવાલો ઉભા થયા હતા ! ૧૦૦ ફુટ જેટલી ઉંચાઇ પર દોરડાના સહારે બાંધેલ વાંસના પાલખ પર ઉભા રહીને સેફ્ટી સાધનો વિના જોખમી રીતે કામ કરતા કામદારો પૈકી કોઇ કામદાર નીચે પટકાય તો તેનું મોત પણ થઇ શકે,અને આવી કોઇ જીવલેણ ઘટના સર્જાય તો તેને માટે કોણ જવાબદાર ગણાશે ? આવી ઘટનાઓ નજર સામે આવે ત્યારે સાચેજ કંપની સંચાલકોને મન ગરીબ શ્રમિક કામદારોની જીંદગીની કોઇ કિંમત નથી એવી અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. ત્યારે ગરીબ કામદારોની જીંદગી સામે ખેલવાડ કરી રહેલ પાનોલી જીઆઇડીસીની સ્ટીમ હાઉસ કંપની સામે જવાબદાર તંત્ર કોઇ કડક પગલા ભરશે ખરું ? કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે?! તે જોવું રહ્યું..

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *