આજે અનંત ચૌદશના દિવસે ઠેર ઠેર શ્રીજીનું વિસર્જન..- 10 દિવસની પૂજા અર્ચના બાદ ગણેશજીનું વિસર્જન..
- શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..
- ભારે હૈયે ગણેશજીનું કરવામાં આવી રહ્યું છે વિસર્જન..
- ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક અનેક ભાવિકો ભાવુક બન્યા..
આજે અનંત ચર્તુદર્શી છે, ત્યારે 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે, તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છે, જ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે.

વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ મોહબ્બતની મિસાલ પેશ કરી હતી. વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દૂ આગેવાન ભાઈઓનું ફુલહાર થકી સ્વાગત કર્યું હતું. આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં ઝાબીર ભાઈ મુનશી, મહેબૂબ ભાઈ દેગ માસ્ટર, બાબુ ભાઈ પટેલ, જુલ્ફીકાર પટેલ, મુનાફ ભાઈ રાજ, સીરાજ દિવાન, સલીમ ભાઈ લાગિયા, અલ્તાફ ભાઈ પ્રિન્સ, મુસ્તાક દલાલ, ઇમરાન ભાઈ રાજ તેમજ મુનના ભાઈ પટેલ સહિતના મુસ્લિમ સમાજના આગવવાનો હાજર રહ્યા હતા.


તો બીજી તરફ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર તથા જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગતરોજ મુસ્લિમ સમાજના ઇદે મિલાદ શરીફના તહેવાર નિમિત્તે વાગરા ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા જોવા મળી હતી. જ્યાં અનેક સ્થળોએ કોમી વૈમનસ્ય ફેલાવનારા તત્વો માહોલ ખરાબ કરી નફરત ફેલાવે છે ત્યાં વાગરામાં બંને ધર્મના આગેવાનોએ મોહબ્બતની મિસાલ પેશ કરી હતી.

ઇદે મિલાદનું જુલૂસ ચીમન ચોક વિસ્તારમાં પ્રવેશ્યું તે વેળા હિન્દુ સમાજના હરેશ ભાઈ : વાગરા માજી સરપંચ, શૈલેન્દ્ર સિંહ રાજ, અરવિંદ ભાઈ વસાવા, ભરત ભાઈ ડાહ્યા, સિંધા ભાઈ આહીર સહિતના અગ્રણીઓએ જુલુસનું સ્વાગત કરી ફૂલહાર અર્પણ કરી કોમી એકતાની મિશાલ બતાવી હતી સાથે આ શુભ દિવસ નિમિત્તે હિન્દૂ-મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. આમ વાગરામાં હિન્દુ મુસ્લિમ બંને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બંને કોમના આગેવાનો, પોલીસ તંત્રએ પણ રાહત અનુભવી હતી.


નઈમ દિવાન, વાગરા

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com