વાગરા તાલુકાના વિલાયત અને અરગામા પંથકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે. સોશિયલ મીડિયા પર દીપડાની લટારનો વીડિયો સામે આવતા જ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.વી. ચારણ અને તેમની ટીમે ઘટનાસ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથ ધરી હતી. દીપડાની ગતિવિધિ પારખવા માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો. અને દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે સૌથી વધુ સંભાવના ધરાવતી વ્યૂહાત્મક જગ્યાએ મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એક નીડર ખેડૂતે પોતાના જીવના જોખમે દીપડાનો લાઈવ વીડિયો કેદ કર્યો હતો. આ વીડિયોમાં વન્યપ્રાણી બેખૌફ બનીને વિચરણ કરતું નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાસ કરીને હાલ શિયાળુ પાકની સિઝનમાં રાત્રિ પિયત કરતા ખેડૂતો અને પશુપાલકોમાં દીપડાના હુમલાનો સતત ભય સતાવી રહ્યો હતો. આ ગંભીર સ્થિતિને પગલે ગ્રામજનો દ્વારા સુરક્ષાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તર રૂપે તંત્રએ ત્વરિત પગલાં લીધા છે.
વન વિભાગે માત્ર પાંજરું ગોઠવીને સંતોષ માન્યો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે લોકજાગૃતિનું કામ પણ હાથ ધર્યું છે. અધિકારીઓએ સ્થાનિક પશુપાલકોને પોતાના મૂંગા ઢોર રાત્રિના સમયે ખુલ્લામાં ન બાંધવા તાકીદ કરી છે. સાથે જ, ખેડૂતોને પણ રાત્રે ખેતરમાં અવરજવર કરતી વખતે વિશેષ સાવધાની રાખવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી છે અને દીપડો સત્વરે પાંજરે પુરાય તેવી આશા સેવી રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com