Geo Gujarat News

ભરૂચ-નર્મદાની ૫ પાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ, હવે જનતાના શાસનને બદલે વહીવટદારો ચલાવશે પંચાયત

ગુજરાતના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી પાંચ મહત્વની નગરપાલિકાઓ – ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને રાજપીપળા – માં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં, હવે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનું શાસન પૂરું થયું છે અને તેની જગ્યાએ સરકારી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફાર સાથે, નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી નહિ થાય ત્યાં સુધી હવે વહીવટદારો જ પાલિકાની તમામ ધૂરા સંભાળશે. મુદ્દત પૂર્ણ થતાં જ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓએ તેમના સરકારી વાહનો સરકારમાં જમા કરાવી દીધાં છે. વહીવટી સરળતા ખાતર, રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકામાં મામલતદારને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને રાજપીપળા નગરપાલિકામાં SDM કક્ષાના અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપાઈ છે. માત્ર નગરપાલિકાઓ જ નહીં, પરંતુ રાજ્યમાં અનેક મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતમાં પણ પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદાર શાસન લાગુ થઈ ગયું છે. નગરપાલિકા અધિનિયમ મુજબ, પાલિકાના સભ્યોની મુદ્દત પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ચાલુ વહીવટી ફરજો, સરકાર દ્વારા નિર્દિષ્ટ અધિકારી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ ન આવે ત્યાં સુધી બજાવશે. આ કાયદાકીય જોગવાઈ અનુસાર જ આ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણીની જાહેરાત હજુ સુધી થઈ નથી. આમ, ચૂંટણી યોજાઈ અને નવી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી, આ મહત્વની નગરપાલિકાઓનો વહીવટ સરકારી અધિકારીઓના હાથમાં રહેશે, જે જનપ્રતિનિધિઓના શાસનથી એકદમ અલગ હશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.