Geo Gujarat News

વાગરા: ઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણી, ભાઈચારા અને શાંતિના માહોલમાં પર્વની ઉજવણી.

પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ અને શવ્વાલના ચાંદના દીદાર થતાની સાથે જ વાગરા પંથકમાં ઈદ-ઉલ-ફિત્રના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. એક મહિનાના કઠિન રોઝા અને રાત-દિવસની ઈબાદત બાદ મુસ્લિમ બિરાદરો માટે ઈદનો દિવસ ખુશીઓની સોગાત લઈને આવ્યો હતો. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં પરંપરાગત શ્રદ્ધા સાથે આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. વાગરા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ઈદગાહ અને વિવિધ મસ્જિદોમાં ઇદની વિશેષ નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. આ વેળાએ માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી. આ પવિત્ર અવસરે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી, જેમાં દેશમાં અમન-ચૈન જળવાય, કોમી એકતા મજબૂત બને અને દરેક નાગરિક નિરોગી તથા પ્રગતિશીલ બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.વાગરા નગરમાં ઈદની રોનક જોવા જેવી હતી. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ નવા વસ્ત્રો સજીને ઈદની ઉજવણીમાં સહભાગી થયા હતા. નમાઝના સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ-શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી. ઈદનો આ તહેવાર માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દનું પ્રતિક પણ બની રહ્યો હતો. હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની પરંપરાને જીવંત રાખી હતી. ધાર્મિક વડાઓએ પણ પોતાના સંબોધનમાં ભાઈચારાને સર્વોપરી ગણાવી દેશની ઉન્નતિ માટે સૌને સાથે મળીને ચાલવા આહ્વાન કર્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.