નિર્ભય મતદાન માટે પોલીસનો હુંકાર: ભરૂચ જિલ્લામાં આગામી ૨૬મી તારીખે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે વાગરા ટાઉનમાં પોલીસ કાફલા દ્વારા ભવ્ય ફ્લેગમાર્ચ યોજીને અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી હતી. DYSP અનિલ સીસોદીયાના સીધા માર્ગદર્શન હેઠળ વાગરાના વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસના જવાનોએ કૂચ કરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ગોહિલ સહિત વાગરા પોલીસનો સ્ટાફ, હોમગાર્ડ અને GRD ના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને લોકશાહીના આ પર્વમાં તેઓ કોઈપણ ડર વગર મતદાન કરી શકે તેવો માહોલ ઊભો કરવાનો હતો.
અફવાઓથી સાવધ રહેવા અપીલ: ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે તેઓ કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર રાખ્યા વિના નિષ્પક્ષ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. વધુમાં, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા તાકીદ કરી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. હાલમાં સમગ્ર તાલુકામાં સઘન પેટ્રોલિંગ તેજ કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ બૂથો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. પોલીસની આ સક્રિયતાને પગલે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com