આમોદ તાલુકાના માર્ગો ફરી એકવાર રકત રંજિત બન્યા છે. આમોદની વ્યસ્ત ગણાતી સમા ચોકડી પાસે આજે બપોરના સુમારે એક કાળજું કંપાવી દેનારો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કાર, ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. આ અકસ્માતમાં વાગરાના નિવાસી રમીલાબેન પરમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, સમા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા મોટરસાયકલ સવારને પૂરપાટ ઝડપે આવતી અલ્ટો કાર અને ટ્રેક્ટરે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. પ્રાથમિક એહવાલ મુજબ આ દુર્ઘટનામાં ૫૦ વર્ષીય રમીલાબેન ગણપતભાઈ પરમાર (રહે. વાગરા)ને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. માર્ગ પર લોહીના ખાબોચિયા ભરાઈ જતાં વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
અકસ્માત સર્જાતા જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આ કપરી ઘડીમાં ફરજ પર તૈનાત TRB જવાનોએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસની રાહ જોયા વિના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ભીડને કાબૂમાં લઈ ઇજાગ્રસ્તોને સમયસર 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. લોકોમાં ચર્ચા છે કે જો આ જવાનોએ સમયસૂચકતા ન દાખવી હોત તો જાનહાનિનો આંકડો વધી શક્યો હોત. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ૭ વર્ષની માસૂમ બાળકીની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પરિવારના અન્ય સભ્યો આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે.
બનાવને પગલે સમા ચોકડી પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર અકસ્માતોનો ભોગ બનતી આ ચોકડી પર ટ્રાફિક નિયમન વધુ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023