વોરાસમની અને વિલાયત ગામમાં પોલીસનો કાફલો ઉતર્યો: ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાગરા તાલુકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ લોકશાહીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તેવા ઉમદા હેતુથી વાગરા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલનાઓની સીધી દેખરેખ હેઠળ આજે તાલુકાના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને વોરાસમની અને વિલાયત જેવા ગામોમાં પોલીસનો મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવ્યો હતો. આ પેટ્રોલિંગમાં પોલીસ જવાનોની સાથે જી.આર.ડી. ના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મતદારોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ, ચૂંટણીલક્ષી કડક બંદોબસ્ત: આ એરીયા ડોમિનેશનનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોમાં પોલીસનો ફાળ પડે અને સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જાગે તેવો રહ્યો છે. પી.આઈ. ગોહિલે આ તકે સ્થાનિકો સાથે સંવાદ સાધીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવાની અપીલ કરી હતી. પોલીસ દ્વારા ગામના મહોલ્લાઓ અને મુખ્ય બજારોમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે 2026 ની આ જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. સંવેદનશીલ મતદાન મથકો ધરાવતા વિસ્તારો પર પોલીસની બાજ નજર છે. વાગરા પોલીસ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ ચાલુ રાખશે, જેથી સમગ્ર તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com