ભરચક વિસ્તારમાં ભયનો માહોલ છવાયો: વાગરા ટાઉનમાં એસ.ટી. ડેપો જેવા ભરચક વિસ્તારમાં વીજ લાઈન પર અચાનક શોર્ટસર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજ પોલ પર સર્જાયેલા ટેકનિકલ ફોલ્ટને કારણે એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના રહીશો અને મુસાફરોમાં ફાળ પડી હતી. ઘટનાની વિગત મુજબ, વાગરા ST ડેપોની નજીક આવેલા મુખ્ય વીજ પોલ પર અચાનક સ્પાર્કિંગ શરૂ થયું હતું. જોતજોતામાં શોર્ટસર્કિટ એટલું ગંભીર બન્યું કે વીજ વાયરો પર આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. આ વિસ્તાર હંમેશા લોકોની અવરજવરથી ધમધમતો હોવાથી, અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભયના માર્યા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
સમગ્ર ટાઉનમાં વીજ પુરવઠો ઠપ, યુદ્ધના ધોરણે સમારકામ શરૂ: આ અકસ્માતને પગલે સલામતીના ભાગરૂપે સમગ્ર વાગરા ટાઉનનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. અચાનક વીજળી ગુલ થઈ જતા આખું નગર અંધારપટમાં ગરકાવ થઈ ગયું હતું. ઉનાળાની શરૂઆત અને રાત્રિના સમયે વીજળી જતી રહેતા વેપારીઓ અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ વીજ કંપનીના કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વીજ કર્મીઓએ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી છે. બળી ગયેલા વાયરો અને ક્ષતિગ્રસ્ત સાધનોને બદલવા માટે ટેકનિકલ ટીમ કામે લાગી છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, વહેલી તકે ફોલ્ટ શોધીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com