Geo Gujarat News

આમોદ: 24 કલાકમાં રાજકીય પલટો! ઇટોલાના સરપંચનો કેસરિયાથી મોહભંગ, ભાજપ પર ફસાવવાના નાટકનો આક્ષેપ, રાજકારણમાં સર્જાયો ભૂકંપ..

આમોદ તાલુકાના ઇટોલા ગામમાં 24 કલાકમાં થયેલા રાજકીય યુ-ટર્ને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે ભાજપમાં ધામધૂમથી જોડાયેલા યુવા સરપંચ ફરીદ મહંમદ જાદવે આજે કોંગ્રેસમાં ઘરવાપસી કરતા રાજકારણમાં અચાનક ભૂકંપ સર્જાયો છે. ગત રોજ ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યની હાજરીમાં સરપંચે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપના વિકાસથી પ્રભાવિત થઈને જોડાયો છું. એવું જાહેરમાં કહ્યું હતું. આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા, જે ભાજપ માટે મોટી રાજકીય સફળતા ગણાઈ રહી હતી. પરંતુ માત્ર 24 કલાકમાં જ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું! આજે કોંગ્રેસ કાર્યાલયે પહોંચેલા સરપંચ ફરીદ જાદવે ભાજપના સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, મને 25-30 લાખના વિકાસ કામોની લાલચ આપી મીટિંગના બહાને બોલાવવામાં આવ્યો હતો. ત્યાં મારી જાણ વગર જ મને ભાજપમાં જોડાવાનું નાટક કરવામાં આવ્યું. આ નિવેદનોએ હવે ભાજપની કાર્યશૈલીને સીધી જ સવાલોના ઘેરામાં મૂકી દીધી છે. એક તરફ વીડિયો અને જાહેર મંચ પર ખુશીથી જોડાવાની વાત, અને બીજી તરફ ફસાવવાનો આક્ષેપ, આ વિરોધાભાસ હવે લોકોમાં શંકા ઊભી કરી રહ્યો છે. સૌથી મોટો સવાલ હવે એ છે કે, શું આ ખરેખર વિકાસની લાલચનો ખેલ હતો? કે પછી આ રાજકીય દબાણ અને સોદાબાજીની નવી રીત છે? અને જો સરપંચનું કહેવું સાચું હોય, તો આવી રીતો લોકશાહી માટે કેટલીઘાતક સાબિત થશે?રાજકીય વિશ્લેષકો માને છે કે, ચૂંટણી પહેલા પ્રભાવશાળી ચહેરાઓને પોતાની તરફ ખેંચવા માટે આ પ્રકારની ચાલો ચાલી રહી છે. પરંતુ આ ઘટના ભાજપ માટે એક મોટી શરમજનક પરિસ્થિતિ બની શકે છે, કારણ કે ગઈકાલે જેનું સ્વાગત કરવામાં આવ્યું, તે જ વ્યક્તિ આજે ખુલ્લેઆમ છેતરપિંડીના આરોપ લગાવી રહ્યો છે.આમોદની રાજનીતિ હવે નવા વળાંક પર છે. આ માત્ર એક સરપંચનો યુ-ટર્ન નથી. આ વિશ્વાસ અને પારદર્શિતાના પ્રશ્નો ઊભા કરતો વિસ્ફોટક બનાવ છે.હવે નજર છે જનતા પર શું લોકો આ ઘટનાને નાટક માની ભૂલી જશે કે પછી આવનારી ચૂંટણીમાં આ મુદ્દો મોટો બની રાજકીય સમીકરણો બદલી નાખશે? એક વાત નિશ્ચિત છે, 24 કલાકના આ પલટાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચાડી દીધું છે!

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.