Geo Gujarat News

વાગરા: વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર પરિવર્તનનો ગુંજારવ, AAP ઉમેદવાર દિપક પટેલે વિડીયો જાહેર કરી સત્તાધારી પક્ષના ભ્રષ્ટાચાર પર કર્યા આકરા પ્રહાર

વાગરા તાલુકાની વિલાયત જિલ્લા પંચાયત બેઠકના રાજકારણમાં AAP ની ઉમેદવારીએ ભારે હલચલ મચાવી દીધી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિપક પટેલે એક વિડીયો સંદેશના માધ્યમથી સત્તાધારી પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતાઓ પર આકરા પ્રહાર કરી, જનતા સમક્ષ પરિવર્તનનો હુંકાર કર્યો છે. વિડીયોમાં અત્યંત આક્રમક તેવરમાં જોવા મળતા દિપક પટેલે જણાવ્યું હતું કે, વિલાયત જિલ્લા પંચાયત વિસ્તારની જનતા લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે, જ્યારે સત્તાના નશામાં ચૂર નેતાઓ માત્ર પોકળ વાયદાઓ કરી રહ્યા છે. તેમણે કડક શબ્દોમાં લલકારતા કહ્યું કે, વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અધિકારીઓ અને શાસકોની મિલીભગતને કારણે સામાન્ય માણસનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, પણ હવે આમ આદમી પાર્ટી આ અન્યાય સામે મજબૂત લડત આપશે. દિપક પટેલે આક્ષેપ કર્યો હતો કે વિલાયત બેઠક હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી અને રોજગારી જેવા ગંભીર પ્રશ્નો ઉકેલવાને બદલે જનતાને છેતરવામાં આવી રહી છે. તેમણે વિડીયો દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેઓ કોઈ પણ ચમરબંધીથી ડર્યા વગર વિલાયતની જનતાના હકની લડાઈ લડશે.વિશેષમાં, દિપક પટેલે ગામડે-ગામડે મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને દરેક ગામમાં જનતાનો જે પ્રેમ અને સાથ મળી રહ્યો છે, તે સાબિત કરે છે કે લોકો હવે જૂઠ્ઠાણાંથી કંટાળી ગયા છે. આ જનસમર્થનને જોતા તેમણે વિલાયત બેઠક પર ભારે બહુમતીથી જીત મેળવવાનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, જનતાનો આ ઉત્સાહ જ આવનારી ચૂંટણીમાં ભ્રષ્ટાચારી શાસનના અંતની નાંદી બનશે. આ વિડીયો સંદેશ બાદ વાગરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને દિપક પટેલની આ ડાયરેક્ટ એટેક કરવાની શૈલી સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી રહી છે. આ લડાઈમાં સૌથી મહત્વનો મુદ્દો સ્થાનિક યુવાનોની અવગણનાનો છે. વિલાયત ઔદ્યોગિક વસાહત જેવો સમૃદ્ધ વિસ્તાર હોવા છતાં, અહીંના સ્થાનિક યુવાનો આજે પણ રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. દિપક પટેલે આ બાબતે ગંભીર ટકોર કરતા જણાવ્યું છે કે, કરોડોનું ટર્નઓવર કરતા ઉદ્યોગો આંગણે હોવા છતાં વિલાયતના યુવાનોને અન્યાય કેમ? કંપનીઓનું પ્રદૂષણ સ્થાનિકો વેઠે અને નોકરીઓ બહારના લોકોને મળે તે હવે ચલાવી લેવામાં નહીં આવે.તેમણે સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નથી, પરંતુ ઉદ્યોગોમાં સ્થાનિકોનો હક અપાવવા અને કંપનીઓના CSR ફંડનો સાચો ઉપયોગ ગામડાઓના વિકાસ માટે થાય તે સુનિશ્ચિત કરવાની છે. આ એક મુદ્દો જ આગામી ચૂંટણીમાં પરિવર્તનનું મુખ્ય કારણ બની શકે છે. લોકશાહીના આ જંગમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને પરિવર્તનના દાવાઓ વચ્ચે અંતિમ નિર્ણય તો જનતા જનાર્દનના હાથમાં છે. એકતરફ સત્તાધારી પક્ષ પોતાના વિકાસના કામોના દમ પર ફરી સત્તા ટકાવી રાખવા મથી રહ્યો છે, તો બીજીતરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિપક પટેલ જનતાના આક્રોશ અને પરિવર્તનની લહેર પર સવાર થઈ જીતનો આશાવાદ સેવી રહ્યા છે. વિલાયત જિલ્લા પંચાયતની બેઠક પર જંગ હવે જામ્યો છે, ત્યારે મતદારો ભ્રષ્ટાચારના મુદ્દાને પ્રાધાન્ય આપશે કે સત્તાના સમીકરણોને, તે જોવું રસપ્રદ રહેશે. હવે જનતા કોને જીતનો તાજ પહેરાવે છે અને કોને જાકારો આપે છે, તે તો ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી ઉમેદવારોનો ધબકારા વધેલા રહેશે અને રાજકીય પંડિતોમાં ગણગણાટ ચાલુ રહેશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.