Geo Gujarat News

વાગરામાં ચૂંટણી ગરમાઈ, BJP ઉમેદવાર પર મતદારોને સાડી અને રોકડ વહેંચવાનો ગંભીર આક્ષેપ, AAP ઉમેદવાર મેદાને

કાળું નાણું ક્યાંથી આવ્યું? રોકડ અને સાડી વિતરણના આક્ષેપ સાથે દિપક પટેલની ચૂંટણી પંચને ફરિયાદ: વાગરા તાલુકામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રાજકીય આક્ષેપબાજીએ જોર પકડ્યું છે. વિલાયત જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિપક પટેલે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી આચારસંહિતાના ઉધ્ધત ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ બાબતે તેમણે પુરાવા સાથે ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી પ્રેસ કોન્ફરન્સ યોજતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દિપક પટેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, વિલાયત જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ગામોમાં ભાજપના ઉમેદવાર દ્વારા મતદારોને રીઝવવા માટે ગેરકાયદેસર રીતે એક હજાર રૂપિયા રોકડા અને સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દિપક પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવારે એક ગેરકાયદેસર મંડળી બનાવી છે. જે ઘરે-ઘરે જઈને આ પ્રલોભનો આપી રહી છે. દિપક પટેલે દાવો કર્યો છે કે તેમની પાસે આ પ્રવૃત્તિઓના વીડિયો અને ફોટા જેવા સચોટ પુરાવા પણ ઉપલબ્ધ છે.દબાણ અને ધમકીના આક્ષેપો, કડક કાર્યવાહીની માંગ: ફરિયાદ પત્રમાં માત્ર પ્રલોભન જ નહીં, પરંતુ મતદારો પર માનસિક દબાણ લાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપના ઉમેદવારનો આક્ષેપ છે કે આ મંડળી દ્વારા મતદારોને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. તેમણે ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી સવાલ કર્યો છે કે, આટલા મોટા પાયે વહેંચવામાં આવતું આ કાળું નાણું ક્યાંથી આવ્યું? પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિપક પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ સીધેસીધો ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. તેમણે ચૂંટણી અધિકારી પાસે માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણીના ટાણે સામે આવેલા આ સનસનીખેજ આક્ષેપોએ મતદારોમાં પણ ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ ગંભીર ફરિયાદ પર કેવા પગલાં ભરે છે. અને ભાજપ તરફથી આ આક્ષેપો પર શું પ્રતિક્રિયા આવે છે.લોકશાહીના મૂલ્યોનું જતન? નિષ્પક્ષ ચૂંટણી માટે કડક કાર્યવાહીની અનિવાર્યતા! : જો વિલાયત જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર દિપક પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં સહેજ પણ સત્યતા હોય, તો તે માત્ર આચારસંહિતાનો ભંગ નથી પરંતુ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે. જ્યારે કોઈ પક્ષ કે ઉમેદવાર મતદારોને રોકડ રકમ, ભેટ-સોગાદો કે સાડી જેવા પ્રલોભનો આપીને તેમના મતાધિકારને ખરીદવાનો પ્રયાસ કરે છે, ત્યારે સામાન્ય જનતાનો વિશ્વાસ આખી વ્યવસ્થા પરથી ઉઠી જાય છે. આવા તત્વો સામે માત્ર તપાસ જ નહીં, પરંતુ દાખલારૂપ અને કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈપણ રાજકીય પક્ષ આવી હિંમત ન કરી શકે. લોકશાહીમાં મત એ નાગરિકની શક્તિ છે, તેને લાલચ કે ધમકીના જોરે પ્રભાવિત કરવો એ ગુનાહિત કૃત્ય છે. જો ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર આવા ગંભીર મુદ્દાઓ પર તટસ્થ રહીને ત્વરિત પગલાં ભરે, તો જ ચૂંટણી પ્રક્રિયા ખરા અર્થમાં ન્યાયિક, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. અંતે, સત્તા મેળવવા માટે અખત્યાર કરવામાં આવતા આવા અનૈતિક માર્ગો જ તંદુરસ્ત રાજકારણના અવરોધક બને છે.આક્ષેપોની સત્યતા ચકાસવી એ વહીવટી તંત્રની જવાબદારી: અત્રે ઉલ્લેખનીય છે કે, વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દિપક પટેલ દ્વારા ભાજપના ઉમેદવાર સામે રોકડ અને સાડી વિતરણના જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તેની GEO GUJARAT NEWS પુષ્ટિ કરતું નથી. કોઈપણ રાજકીય આક્ષેપ પાછળના તથ્યો તપાસવા એ ચૂંટણી પંચ અને તપાસ એજન્સીઓનો વિષય છે. લોકશાહીમાં આક્ષેપ અને પ્રતિ-આક્ષેપ એ સામાન્ય પ્રક્રિયા હોઈ શકે છે, પરંતુ પત્રકારત્વના સિદ્ધાંતોને વરેલું અમારું માધ્યમ માત્ર રજૂ કરવામાં આવેલી ફરિયાદ અને વિગતોને જનતા સમક્ષ મૂકી રહ્યું છે. આ મામલાની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે, અને ત્યાં સુધી આ બાબત માત્ર એક ફરિયાદ પક્ષની રજૂઆત તરીકે જોવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા થનારી તટસ્થ તપાસ જ આ વિવાદ પરથી પડદો ઉઠાવશે.

આ પણ વાંચો: રાત્રીના અંધકારે નંબર પ્લેટ પર પટ્ટી મારી ગાડીઓ દોડી, શું મતદારોને દારૂ અને પ્રલોભન પીરસાયા?

વાગરા: લોકશાહીના ચીંથરેહાલ? કેશવાન વિસ્તારમાં રાત્રીના અંધકારે રાજકીય ખેલ?, નંબર પ્લેટ પર પટ્ટી મારી શંકાસ્પદ હિલચાલ!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.