Geo Gujarat News

વાગરા જિલ્લા/તાલુકા પંચાયત બેઠક માટે ઉત્સાહભેર મતદાન, આપના ઉમેદવાર દીપક પટેલે વતનમાં મતાધિકારનો ઉપયોગ કર્યો

વાગરા જિલ્લા/તાલુકા પંચાયતની બેઠક માટે આજે વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો છે. સમગ્ર પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સવારથી જ મતદાન મથકો પર લોકોની કતારો લાગી છે. આ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલે પણ પોતાના વતન કોઠીયા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું અને લોકશાહીને મજબૂત બનાવવાના આ કાર્યમાં સહભાગી થયા હતા. મતદાનના આંકડાઓની વાત કરીએ તો, સવારે 7 થી 9 વાગ્યાના પ્રથમ બે કલાકમાં 5.3 % મતદાન નોંધાયું હતું, જે 10 વાગ્યા સુધીમાં વધીને 20.40 % પર પહોંચ્યું છે. વધતી જતી ટકાવારી મતદારોની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે.અત્યાર સુધી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથક પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક પર વિજયનો તાજ કોના શિરે સજશે, તેનો ફેંસલો જનતા જનાર્દને પોતાના મતાધિકાર દ્વારા કરી દીધો છે. હવે ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે, જેનું પરિણામ આગામી 28મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી હાર-જીતના સમીકરણો પર સૌની મીટ મંડાયેલી રહેશે.વાગરા બેઠક માટે માત્ર મુખ્ય મથકો જ નહીં, પરંતુ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ગામડાઓના મતદાન મથકો પર ખેડૂતો, યુવાનો અને વૃદ્ધો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા છે. ગ્રામીણ મતદારોમાં જોવા મળતી આ જાગૃતિ અને ઉત્સાહને કારણે મતદાન મથકો લોકશાહીના મેળામાં ફેરવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. ખેતીકામની વ્યસ્તતા વચ્ચે પણ ગ્રામજનો સમય ફાળવીને પહેલા મતદાન, પછી જલપાનના મંત્રને સાર્થક કરતા નજરે પડી રહ્યા છે. શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગ્રામ્ય પંથકની જનતા પોતાનો કિંમતી મત આપીને ગામ અને વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.