વિલાયત GIDC માં પ્રદૂષણ માફિયાઓ બેફામ?: વાગરા તાલુકાની વિલાયત GIDC વિસ્તારમાં પર્યાવરણ અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુબિલિયન્ટ કંપનીના પાછળના ભાગે આવેલા ITI થી વિલાયત ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર રસ્તાની બાજુમાં અજાણ્યા ઈસમો દ્વારા 1000 કિલોગ્રામની ક્ષમતા ધરાવતી બે કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવી છે. જાહેર માર્ગ પર આ રીતે જોખમી પાવડર ભરેલી બેગ મળી આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ફાળ પડી છે, સાથે જ આ પાવડર કયો છે? અને તે પર્યાવરણ માટે કેટલો જોખમી છે? તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
રસ્તાની સાઈડમાં પાવડર ભરેલી બેગનો નિકાલ કરાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો: સ્થળ પરથી મળેલા પુરાવા મુજબ, પાવડર ભરેલી આ બેગ પર Garden Silk Mills Ltd.(જોલવા, સુરત)નું લેબલ જોવા મળ્યું છે. બેગ પર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમાં Polyester Chips ભરેલી છે, જેનું નેટ વજન 100પ કિલોગ્રામ છે. અને તે માત્ર ઔદ્યોગિક વપરાશ માટે છે. અન્ય એક ટેગ પર પેકેજિંગ કરનાર કંપની તરીકે Aditya Timpack Private Limited (ગણદેવી,નવસારી) નું નામ દર્શાવેલું છે. આ પાવડર અથવા ચિપ્સનો જથ્થો સુરતની કંપનીનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પરંતુ તે વિલાયત GIDC ના રોડ પર કઈ રીતે અને કોણે ફેંક્યો તે તપાસનો વિષય છે.
૨ ટન કેમિકલ પાવડર કોણે ફેંક્યો? GPCB એક્શનમાં ક્યારે આવશે?: ઔદ્યોગિક કચરો કે રો-મટિરિયલ આ રીતે જાહેરમાં ફેંકી દેવો એ ગુનાહિત બેદરકારી સમાન છે. જો આ પાવડર કોઈ જોખમી કેમિકલ પ્રતિક્રિયા કરે અથવા પવનમાં ઉડીને આસપાસના વિસ્તારમાં ફેલાય તો તેની ગંભીર અસર થઈ શકે છે. આ બાબતે સંબંધિત તંત્ર અને GPCB દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કંપનીના લેબલ તેમજ બેગ પર લખેલા બેચ નંબરના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શું આ કોઈ ચોરીનો માલ છે જે પકડાઈ જવાના ડરે ફેંકી દેવાયો છે કે પછી વેસ્ટ નિકાલનો શોર્ટકટ? તે તો ઉંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે.
જાહેર માર્ગ પર જોખમી કેમિકલ પાવડરનો જથ્થો ફેંકીને માફિયાઓ ફરાર: વિલાયત અને સાયખા GIDC વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો હવે એટલી હદે બેફામ બન્યા છે કે તેમને કાયદા કે તંત્રનો કોઈ જ ડર રહ્યો હોય તેમ જણાતું નથી. અત્યાર સુધી અહીં જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણની ફરિયાદો તો ઉઠતી જ રહેતી હતી, પરંતુ હવે તો જાહેર માર્ગો પર આ રીતે જોખમી કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગો ફેંકી દેવા સુધીની હિંમત આ પ્રદૂષણ માફિયાઓએ કરી છે, જે ખરેખર હદ વટાવનારો કિસ્સો છે. જાગૃત નાગરિકોમાં એવો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે કે આખરે ક્યાં સુધી સંબંધિત તંત્ર અને GPCB નિંદ્રાધીન અવસ્થામાં રહીને આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોને છાવરતું રહેશે? રસ્તાની સાઈડમાં બિનવારસી હાલતમાં પડેલો આ 1000-1000 કિલોગ્રામનો જથ્થો તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે. શું અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે ગંભીર પર્યાવરણીય હોનારતની રાહ જોઈ રહ્યા છે? જે રીતે આટલા મોટા પાયે બેદરકારી દાખવવામાં આવી છે, તે જોતા હવે તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર કાગળ પરની તપાસને બદલે આવા માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com