નિયમોના લીરેલીરા, સુવિધાઓના નામે શૂન્ય: વાગરા વિધાનસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. એમ. એમ. પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં મીડિયા કર્મીઓ માટે પ્રાથમિક સુવિધા સમાન મીડિયા કક્ષનો સદંતર અભાવ જોવા મળતા પત્રકાર આલમમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. ચૂંટણી પંચના સ્પષ્ટ દિશાનિર્દેશો હોવા છતાં, તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અવગણનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે, કોઈપણ ચૂંટણીની મતગણતરી વખતે મીડિયા માટે બેસવાની વ્યવસ્થા, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, પીવાનું પાણી અને મિનિટ-ટુ-મિનિટના સચોટ અપડેટ્સ માટે અલાયદો કક્ષ ફાળવવો ફરજિયાત હોય છે. જોકે, વાગરા મતગણતરી કેન્દ્ર પર આવી કોઈ જ વ્યવસ્થા જોવા મળી નહોતી. પરિણામે, કાળઝાળ ગરમી અને અફરાતફરી વચ્ચે પત્રકારોને ઉભા રહીને કવરેજ કરવાની ફરજ પડી હતી.
માહિતી મેળવવા પત્રકારોની રઝળપાટ: આધુનિક સમયમાં જ્યારે ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા દ્વારા પળેપળની વિગતો જનતા સુધી પહોંચાડવાની હોય છે, ત્યારે ઈન્ટરનેટ અને બેઠક વ્યવસ્થાના અભાવે પત્રકારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાઉન્ડ વાઈઝ આંકડાકીય વિગતો મેળવવા માટે મીડિયા કર્મીઓને અધિકારીઓ પાછળ દોડવું પડ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા તમામ તૈયારીઓ પૂર્ણ હોવાના પોકળ દાવાઓની પોલ અહીં ઉઘાડી પડી ગઈ હતી. ચૂંટણી જેવી સંવેદનશીલ અને પવિત્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે જોવાની જવાબદારી મીડિયાની છે. પરંતુ, મીડિયાને જ પાયાની સુવિધાઓથી વંચિત રાખી તંત્રએ કઈ પ્રકારની કામગીરી કરી છે તે બાબતે સ્થાનિક પત્રકારોએ આકરા પ્રહારો કર્યા છે. પત્રકાર સંગઠનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ લોકશાહીના મજબૂતીકરણની વાતો થાય છે અને બીજી તરફ તેની માહિતી પહોંચાડતા માધ્યમો સાથે આવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે.
જગ્યાના અભાવનું લંગડું બહાનું, જવાબદારીમાંથી હાથ ખંખેરતા રિટર્નિંગ ઓફિસર! વાગરા મતગણતરી કેન્દ્ર પર મીડિયા કક્ષના અભાવે સર્જાયેલા વિવાદ અંગે જ્યારે રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીતનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે એક ચોંકાવનારું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જગ્યાનો અભાવ હોવાને કારણે મીડિયા કક્ષની વ્યવસ્થા કરી શકાઈ નથી. વહીવટી તંત્રના આ નિવેદને પત્રકારોમાં વધુ રોષ જગાવ્યો છે. પત્રકારોનું માનવું છે કે, ચૂંટણી જેવી રાષ્ટ્રીય કક્ષાની કામગીરીમાં જ્યાં મહિનાઓ અગાઉથી આયોજન થતું હોય, ત્યાં જગ્યાની અછતનું બહાનું ધરીને લોકશાહીના ચોથા સ્તંભની સુવિધાઓમાં કાપ મૂકવો એ તંત્રની નિષ્ફળતા અને બિનજવાબદાર વલણ દર્શાવે છે.
માહિતીના અધિકાર પર તરાપ, જો મીડિયા જ સુવિધા વિહોણું હશે, તો જનતા સુધી આંકડા કોણ પહોંચાડશે? વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી માત્ર પત્રકારોની અગવડતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જનતાના માહિતી મેળવવાના અધિકાર પર પણ સીધો પ્રહાર છે. ચૂંટણીના પરિણામો જાણવા માટે આખું રાજ્ય અને દેશ જ્યારે આતુર હોય, ત્યારે તે વિગતો લોકો સુધી પહોંચાડનાર મુખ્ય કડી મીડિયા જ છે. જો મતગણતરી કેન્દ્ર પર મીડિયા કક્ષ જ ન હોય અને પત્રકારોને પાયાની સુવિધાઓ કે સત્તાવાર આંકડા મેળવવામાં હાલાકી પડે, તો પ્રજા સુધી સચોટ અને ઝડપી માહિતી કેવી રીતે પહોંચશે? ઈન્ટરનેટ અને બેઠક વ્યવસ્થાના અભાવે માહિતીના પ્રસારણમાં જે અવરોધ ઊભો થયો છે, તે લોકશાહીની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે. તંત્રએ સમજવું જોઈએ કે મીડિયાને સુવિધા આપવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ માહિતીના સેતુને અકબંધ રાખવા માટેની અનિવાર્યતા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com