વાગરા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનું એકહથ્થુ શાસન!: ભરૂચ જિલ્લાની વાગરા તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે. તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ૧૫ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર ૩ બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે. પરિણામો પર નજર કરીએ તો, અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે, ચાંચવેલ (વોર્ડ ૧) માં કોંગ્રેસના ગણપતભાઇ ભીખાભાઇ રાઠોડ ૧૬૬૦ મતો સાથે વિજેતા થયા છે. દહેજ-૨ (વોર્ડ ૩) માં ભાજપના વર્ષાબેન જયેશભાઇ આહિર ૬૩૭ મતો મેળવી વિજયી બન્યા છે, ગંધાર (વોર્ડ ૫)માં ભાજપના નાગજીભાઈ શનુભાઈ ગોહિલે ૨૦૮૨ મતો મેળવીને ભાજપનો ગઢ જાળવી રાખ્યો છે. તો કેશવાણ (વોર્ડ ૭)માં ભાજપના કપીલાબેન અરવિંદભાઈ વસાવા ૨૩૦૮ મતો સાથે જંગી વિજય મેળવ્યો છે.લ, લખીગામ (વોર્ડ ૯): ભાજપના કાંતિભાઇ મંગળભાઇ રાઠોડ ૧૭૨૩ મતો મેળવી વિજેતા જાહેર થયા છે, પહાજ (વોર્ડ ૧૧): ભાજપના વિકુંજબેન જીતેન્દ્રસિંહ સિંઘાએ ૨૩૩૫ મતો સાથે ભવ્ય જીત મેળવી છે. તેમજ વાગરા-૧ (વોર્ડ ૧૫)માં ભાજપના રાજેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રાઠોડે ૨૮૧૧ મતો મેળવી વિરોધીઓને પરાજય આપ્યો છે, સાથે જ વિલાયત (વોર્ડ ૧૭)માં ભાજપના ઉમેદવાર ૨૦૨૬ મતો સાથે વિજયી બન્યા છે.
જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું પ્રભુત્વ: વાગરા તાલુકા પંચાયતની સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, ૩૧-વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર શાહીનબાનું મુસ્તાક રાજ ૧૫૦૦થી વધુ મતોની સરસાઈથી વિજેતા બન્યા છે. તેમજ ૩૪-વિલાયત બેઠક પર ભાજપના ક્રિપાલ સિંહ અજીતસિંહ યાદવે જીત નોંધાવી છે. આ સહિત ૬-દહેજ બેઠક પર ભાજપના કુસુમબેન રણજિતભાઈ ગોહિલે ૫૫૦૦થી વધુ મતોની પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક જીત મેળવી છે. આ પરિણામો દર્શાવે છે કે વાગરા પંથકમાં મતદારોએ વિકાસના કામો પર મહોર લગાવી ભાજપના શાસનમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિજય સરઘસો નીકળ્યા છે.
વાગરામાં કેસરિયો ઉત્સવ, વિજય સરઘસમાં DJના તાલે સમર્થકો ઝૂમ્યા, જીતના જશ્નમાં આખું વાગરા ગુંજી ઉઠ્યું: વાગરા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ભાજપ દ્વારા તાલુકા પંચાયતની ૧૮માંથી ૧૫ બેઠકો અને જિલ્લા પંચાયતની ત્રણેય બેઠકો કબજે કરવામાં આવતા વાગરા ખાતે એક ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જ્યાં DJના તાલે અને દેશભક્તિના ગીતો પર સમર્થકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. વિજેતા ઉમેદવારોનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ વિજય ઉત્સવને કારણે સમગ્ર વાગરા પંથક કેસરી રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને લોકોએ વિકાસની આ જીતને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી.
વાગરામાં લોકશાહીના ચોથા સ્તંભની અવગણના, મતગણતરી કેન્દ્ર પર મીડિયા રૂમ ગાયબ?: અત્રે ઉલ્લેખનીય છે, કે વાગરાની શ્રીમતી એમ.એમ.એમ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશો હોવા છતાં, તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ માટે બેસવાની વ્યવસ્થા, કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ધરાવતો મીડિયા કક્ષ બનાવવામાં આવ્યો ન હોતો. કાળઝાળ ગરમી વચ્ચે પત્રકારોને ઉભા રહીને કવરેજ કરવાની અને આંકડાકીય વિગતો મેળવવા અધિકારીઓ પાછળ દોડવાની ફરજ પડી હતી. જ્યારે આ બાબતે રિટર્નિંગ ઓફિસર પ્રશાંત ગામીતનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જગ્યાનો અભાવ હોવાનું લંગડું બહાનું ધરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. પત્રકાર સંગઠનોએ આ ઘટનાને માહિતીના અધિકાર પર તરાપ અને લોકશાહીની પારદર્શિતા સામે સવાલ ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે, ત્યારે બીજી તરફ તંત્રના આ ઓરમાયા વર્તને વહીવટી સજ્જતાના પોકળ દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com