તાનાશાહી સામે અડીખમ લડતનો ગૌરવશાળી સ્વીકાર : લોકશાહીના પર્વ સમાન તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ હાર-જીતની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના વિલાયત જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી નિવેદન જારી કર્યું છે. ચૂંટણીમાં પરાજય છતાં હિંમત હાર્યા વગર તેમણે જનતાના આશીર્વાદનો સ્વીકાર કર્યો છે અને આગામી સમયમાં બમણી ગતિએ જનસેવા કરવાની નેમ વ્યક્ત કરી છે. દીપક પટેલે સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમો દ્વારા પોતાના સમર્થકો અને મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું ચૂંટણી હાર્યો છું, પણ હિંમત નથી હાર્યો. મારા માટે માત્ર સત્તા મેળવવી એ જ જીત નથી, પરંતુ સત્ય અને સામાન્ય માણસના હક માટે લડવું એ વધુ મહત્વનું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જનતાનો પ્રેમ અને આશીર્વાદ તેમની અસલી મૂડી છે અને હવે તેમની કામ કરવાની ગતિ પહેલા કરતા વધુ તેજ બનશે.
સંગઠનને મજબૂત બનાવી મેદાનમાં ઉતરવાનો સંકલ્પ: પોતાના સાથી ઉમેદવારો અને કાર્યકરોને સંબોધતા દીપક પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં પરિણામ ભલે પક્ષની તરફેણમાં નથી આવ્યું, પરંતુ વિરોધીઓના દબાણ, લોભ અને લાલચની રાજનીતિ વચ્ચે પણ આપના સૈનિકો ડગમગ્યા નથી. તાનાશાહી વલણ સામે અડીખમ ઊભા રહીને જે સંઘર્ષ અને સમર્પણ બતાવ્યું છે, તે જ સંગઠનનું સાચું બળ છે. દીપક પટેલે ઉમેર્યું હતું કે, આ પરાજય એ અંત નથી પણ એક મજબૂત શરૂઆત છે. હવે સમય આવી ગયો છે કે સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવામાં આવે. આગામી દિવસોમાં વધુ આત્મવિશ્વાસ, એકતા અને દ્રઢ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી જનતાના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. તેમના આ નિવેદનથી હારના નિરાશાજનક માહોલ વચ્ચે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને નવો જોશ જોવા મળી રહ્યો છે.
લોકપ્રશ્નોના ઉકેલ માટે દીપક પટેલની ટીમ સજ્જ, સ્થાનિક રોજગારી અને પાયાની સુવિધાઓ માટે આક્રમક લડતના મંડાણ: ચૂંટણી બાદ જનસેવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા દીપક પટેલે હવે લોકહિતના પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, આગામી સમયમાં તેમની ટીમ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મક્કમ રજૂઆતો કરશે. આ ઉપરાંત, જે જરૂરિયાતમંદ પરિવારો હજુ પણ સરકારી યોજનાઓના લાભોથી વંચિત છે, તેમને હક અપાવવા અને જે વિસ્તારોમાં રોડ-રસ્તા કે અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યાં વહીવટી તંત્ર સામે લડત આપી વિકાસ કાર્યો કરાવવાની નેમ વ્યક્ત કરી છે. સરકારી કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામોમાં થતો વિલંબ અને વહીવટી શિથિલતા જેવા ગંભીર મુદ્દે પણ તેઓ આક્રમક વલણ અપનાવી જનતાને ન્યાય અપાવશે. લોક પ્રશ્નોના કાયમી ઉકેલ માટે દીપક પટેલ અને તેમની ટીમ હવે જમીની સ્તરે સક્રિય થઈને એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે.
જનતાના પ્રશ્નો માટે દીપક પટેલનો આરપારની લડાઈનો નિર્ધાર: જબ તક તોડેગે નહીં, તબ તક છોડેગે નહીં, આ મક્કમ સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલે વાગરા અને આસપાસના વિસ્તારોના લોકપ્રશ્નો માટે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ચૂંટણીના પરિણામો ગમે તે આવ્યા હોય, પણ પ્રજાની વેદના અને અન્યાય સામેનો તેમનો જંગ અટકશે નહીં. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને પાયાની સુવિધાઓના અભાવ સામે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી તેઓ જંપશે નહીં. દીપક પટેલે હિંમતભેર જણાવ્યું હતું કે, સત્તા સામે સત્યની આ લડાઈ હવે વધુ ઉગ્ર બનશે અને અંતિમ વિજય જનતાનો થાય ત્યાં સુધી તેમની ટીમ અડગ રહીને વહીવટી તંત્ર અને તાનાશાહી વલણ સામે સંઘર્ષ ચાલુ રાખશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com