સાયખા GIDCમાં અગ્નિકાંડ, ટી-વેન્ચર કંપનીમાં રો-મટીરીયલ બળીને ખાખ: ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી ટી-વેન્ચર કંપનીમાં આજે આગની એક ગંભીર ઘટના બની હતી. કંપનીના પાછળના ભાગે આવેલા વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા કંપનીના કર્મચારીઓ અને આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ અકસ્માતમાં વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવેલો મોટા પ્રમાણમાં કાચો માલ આગની જ્વાળાઓમાં લપેટાઈ જવાથી બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાક્રમ પર નજર કરીએ તો, આગની શરૂઆત કંપનીના પાછળના ખુલ્લા ભાગમાં થઈ હોવાનું જાણવા મળે છે. ઉનાળાની શરૂઆતની સીઝનમાં સૂકાયેલા ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર તણખલું ચંપાયું હતું. સૂકા ઘાસને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને જોતજોતામાં આ આગ બાજુમાં જ આવેલા વેરહાઉસ સુધી પહોંચી ગઈ હતી. વેરહાઉસમાં પેકિંગ મટીરીયલ અને રો-મટીરીયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ લીધું હતું. અને ધુમાડાના કાળા વાદળો દૂર-દૂર સુધી દેખાયા હતા.
વેરહાઉસમાં રાખેલ રો-મટીરીયલ આગની લપેટમાં, જાનહાની ટળતા કંપની તંત્રએ રાહતનો શ્વાસ લીધો: ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવી આગને વધતી અટકાવી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમતને અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે આગ કંપનીના મેઈન પ્લાન્ટ કે ઉત્પાદન યુનિટ સુધી પ્રસરી શકી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે, આ સમગ્ર હોનારતમાં કોઈ પણ શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાની થઈ નથી. હાલમાં કંપની પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ હવે નુકસાનીનો આંકડો મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com