Geo Gujarat News

વાગરામાં કોંગ્રેસના અભેદ્ય ગઢનું પતન, નેતાઓના અહમની આગમાં પક્ષનું અસ્તિત્વ ભસ્મીભૂત? વાંચો આ ખાસ અહેવાલ

અહંકારમાં અંધ નેતૃત્વ, જનતાના મિજાજને પારખવામાં નિષ્ફળ? : ગુજરાતના રાજકારણમાં જે બેઠક કોંગ્રેસ માટે દાયકાઓથી સુરક્ષિત કિલ્લો ગણાતી હતી, તે વાગરા જિલ્લા પંચાયત આજે ધૂળધાણી થઈ ગઈ છે. આ પરાજય કોઈ સામાન્ય રાજકીય ઉલટફેર નથી, પરંતુ કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં વ્યાપેલી સડન અને નેતાઓના અતિ-આત્મવિશ્વાસનું પરિણામ છે. ૧૪૮૫ મતોની હાર એ માત્ર આંકડો નથી, પણ વાગરાની જનતાએ કોંગ્રેસના અહંકારી નેતૃત્વને આપેલો દેશવટો છે. વાગરાના એક સ્થાનિક કોંગી નેતાએ જણાવ્યું હતું, કે આઝાદીના સમયથી વાગરા કોંગ્રેસનો પરંપરાગત ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં પક્ષના કહેવાતા મોટા ગજાના નેતાઓ જમીની વાસ્તવિકતા ભૂલી ગયા હતા. જનતાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના નશામાં ચૂર આ આગેવાનોએ પક્ષને પોતાની ખાનગી પેઢી સમજી લીધી હતી. સામાન્ય કાર્યકરની અવગણના અને પાયાના પ્રશ્નો પ્રત્યેની બેદરકારીને કારણે પક્ષ આજે ઘરભેગો થયો છે. જે નેતાઓ હવામાં રાચતા હતા, તેમને જનતાએ આજે જમીન બતાવી દીધી છે.આંતરકલહ અને જૂથબંધી, પક્ષના હિત પર વ્યક્તિગત સ્વાર્થ હાવી, શું આ અંતની શરૂઆત છે?: વાગરા તાલુકા કોંગ્રેસમાં ફેલાયેલો આંતરકલહ કોઈનાથી છૂપો નથી. ચૂંટણી જીતવા માટે જે એકતા હોવી જોઈએ, તેના બદલે નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાં અને પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં વ્યસ્ત હતા. પક્ષના હિત કરતા પોતાના અંગત અહમને ઉપર રાખવાની આ લડાઈમાં અંતે પક્ષનો પંજો લોહીલુહાણ થયો છે. સ્થાનિક સ્તરે જૂથબંધી એટલી હદે વકરી ગઈ હતી કે સાચો કોંગ્રેસ સેવક હાંસિયામાં ધકેલાઈ ગયો અને ચમચાઓની ટોળકીએ નેતાઓને ગેરમાર્ગે દોર્યા. જે બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, ત્યાં આજે હારનો કડવો સ્વાદ ચાખવો પડ્યો છે. આ હાર ઉમેદવારની ઓછી અને એ રણનીતિકારોની વધુ છે. જેઓ બંધ બારણે બેસીને જીતના દાવા કરતા હતા. જો હજુ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ જાગશે નહીં અને આ અહંકારી નેતૃત્વને ઘરભેગું કરીને પાયાના કાર્યકરોને કમાન નહીં સોંપે, તો વાગરાના રાજકીય ઇતિહાસમાંથી કોંગ્રેસનું નામનિશાન કાયમ માટે ભૂંસાઈ જશે. વાગરાની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહીમાં અહંકારને કોઈ સ્થાન નથી. જો નેતાઓ સુધરશે નહીં, તો આગામી દિવસોમાં પક્ષનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બનશે. હવે બોલ હાઈકમાન્ડના કોર્ટમાં છે, કાં તો સફાઈ અભિયાન ચલાવો, કાં તો સંપૂર્ણ પતન માટે તૈયાર રહો!વાગરા કોંગ્રેસમાં ભડકો! મારું જ પત્તું કાપી નાખ્યું! યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ ઈમ્તિયાઝ પટેલનો નેતાઓના અહંકાર પર સીધો પ્રહાર: વાગરામાં કોંગ્રેસના ગઢના કાંગરા શા માટે ખરી પડ્યા? તેનો જીવતો-જાગતો પુરાવો હવે સપાટી પર આવ્યો છે. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ ઈમ્તિયાઝ પટેલે મૌન તોડતા સ્થાનિક નેતૃત્વ અને સંગઠનની પોલ ઉઘાડી પાડી દીધી છે. તેઓએ અત્યંત રોષ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી જેવી મહત્વની કામગીરીમાંથી જ તેમને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યા હતા. પક્ષના પાયાના અને હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર માત્ર પોતાની મનમાની ચલાવતા અહંકારી નેતાઓને કારણે આજે પક્ષે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. ઈમ્તિયાઝ પટેલે ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ઘોર બેદરકારી પર પ્રહાર કરતા કહ્યું કે, વ્યવસ્થા એટલી હદે કથળેલી હતી કે ઉમેદવારોની સ્લિપો તેમના ઘરે છેક રાત્રે ૧૨ વાગ્યે પહોંચાડવામાં આવી હતી. આનાથી વધુ ગંભીર બાબત બીજી કઈ હોઈ શકે કે, જિલ્લા યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ તેમજ ગામના નાગરિક હોવા છતાં તેમના જ ગામમાં બુથ લેવલ પર કોને બેસાડવો તે અંગે પણ તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. સ્થાનિક નેતાઓએ જાણે પક્ષને પોતાની જાગીર સમજી લીધી હોય તેમ પાયાના કાર્યકરો અને યુવા નેતૃત્વની ધરાર અવગણના કરી હોવાનું સામે આવ્યું છે.અમિત ચાવડા સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય, અહંકારમાં અંધ આગેવાનોએ પક્ષને ડૂબાડ્યો?: આ મામલો માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત ન હોતો. ઈમ્તિયાઝ પટેલે ખુલાસો કર્યો હતો કે, તેઓએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પત્ર વ્યવહાર દ્વારા આ ગંભીર પરિસ્થિતિ અને જૂથવાદ અંગે વિગતવાર જાણ કરી હતી. તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી આ જૂથવાદને ડામવા માટેના પ્રયાસો ઝીરો રહ્યા હતા. જે પક્ષમાં યુવા નેતૃત્વની રજૂઆતને જ કચડી નાખવામાં આવતી હોય, ત્યાં જીતની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. આ હાર માત્ર મતદારોની નથી, પરંતુ એ નેતાઓની છે, જેઓ હવામાં રાચતા હતા. ઈમ્તિયાઝ પટેલની આ હૈયાવરાળ એ સાબિત કરે છે કે, વાગરામાં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ વિપક્ષની મજબૂતી નહીં, પણ ઘરના જ ભેટિયાઓ અને અહંકારી નેતાઓનો આંતરિક વિખવાદ છે. જો હજુ પણ હાઈકમાન્ડ જાગશે નહીં અને આવા અહંકારી નેતૃત્વ સામે કડક પગલાં નહીં ભરે, તો વાગરામાં કોંગ્રેસનું અસ્તિત્વ માત્ર ઈતિહાસના પાનાઓ પર જ રહી જશે.પક્ષ નથી હાર્યો, નેતાઓના અહંકારે હરાવ્યો છે! દિગ્ગજ આગેવાન ઝાબિર પટેલનો પ્રચંડ પ્રહાર: વાગરા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના કારમા પરાજય બાદ હવે પક્ષની અંદરનો લાવા ફાટી નીકળ્યો છે. વર્ષોથી કોંગ્રેસ સાથે લોહી-પરસેવો એક કરનારા વરિષ્ઠ કોંગી આગેવાન ઝાબિર પટેલે અત્યંત આકરા શબ્દોમાં પક્ષની હારનું પોસ્ટમોર્ટમ કરતા જણાવ્યું છે કે, આ જનતાની હાર નથી પણ સત્તાના નશામાં ચૂર નેતાઓના અહંકારનું પરિણામ છે. તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પાર્ટીએ નિમેલા હોદ્દેદારો પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોને કોર્નર કરીને પક્ષને ખતમ કરી રહ્યા છે. ઝાબિર પટેલે ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જે તે સમયે લાયકાતને બદલે મનમાની અને લાગવગશાહી ચલાવવામાં આવી હતી. પક્ષના હિતને નેવે મૂકીને લેવાયેલા ખોટા નિર્ણયોને કારણે જ વર્ષોથી જાળવી રાખેલી આ બેઠક આજે હારની કગાર પર આવીને ઉભી રહી છે. તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો કે પક્ષમાં હવે લાયકાતશાહીને બદલે લાગવગશાહીનું વર્ચસ્વ વધી ગયું છે, જે અંતે પક્ષને વિનાશ તરફ દોરી ગયું છે.ટિકિટોની વહેંચણીમાં મનમાની અને લાયકાતની અવગણના? ​અમિત ચાવડા સુધી રજૂઆત કરી છતાં હાઈકમાન્ડ ઊંઘતું રહ્યું?: હારની પૂર્વધારણા અગાઉથી જ હોવા છતાં પક્ષના શીર્ષ નેતૃત્વએ જે બેદરકારી દાખવી તે હવે ચર્ચાનો વિષય બની છે. ઝાબિર પટેલે ખુલાસો કર્યો હતો કે, પક્ષ પ્રત્યેની લાગણીને કારણે તેઓ રૂબરૂ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે ગયા હતા અને રજૂઆત કરી હતી કે, મને કોઈ હોદ્દો નથી જોઈતો, પણ જો આ સીટ જીતવી હોય તો ગરાસિયા સમાજમાંથી એક કાર્યકારી પ્રમુખની નિમણૂક કરો. તેમ છતાં, હાઈકમાન્ડ દ્વારા આ વાસ્તવિકતાને ધ્યાને લેવામાં ન આવી, જેના પરિણામે આજે કોંગ્રેસે આ શરમજનક પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ​ઈમ્તિયાઝ પટેલ બાદ હવે ઝાબિર પટેલ જેવા વરિષ્ઠ નેતાના આ આકરા તેવરથી વાગરા કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાની રણનીતિ પક્ષને ભારે પડી છે. હવે જોવાનું એ રહે છે કે, પક્ષને ડૂબાડનારા અહંકારી હોદ્દેદારો સામે હાઈકમાન્ડ લાલ આંખ કરે છે કે પછી વાગરામાંથી પંજાના અસ્તિત્વને ભૂંસાતા જોતું રહે છે.હોદ્દેદારોને જીત નહીં, માત્ર ખુરશી વ્હાલી હતી!બની બેઠેલા નેતાઓએ કોંગ્રેસને ડૂબાડી! મકસુદ્દીન રાણાએ પક્ષના નબળા નેતૃત્વની શિયારી ઉતારી : વાગરા કોંગ્રેસમાં લાગેલી આંતરિક વિખવાદની આગ હવે પક્ષને ભસ્મીભૂત કરવાના આરે છે. ઝાબિર પટેલ અને ઈમ્તિયાઝ પટેલના આક્રોશ બાદ હવે વાગરા તાલુકા કોંગ્રેસના ઉપ પ્રમુખ મકસુદ્દીન રાણાએ મોરચો ખોલ્યો છે. અત્યંત આકરા અને ધારદાર શબ્દોમાં રોષ ઠાલવતા મકસુદ્દીન રાણાએ જણાવ્યું કે, કોંગ્રેસના નબળા અને અણઘડ નેતૃત્વને કારણે જ આજે પક્ષની આ દુર્દશા થઈ છે. જે નેતાઓને મેદાનમાં ઉતરીને પક્ષને જીતાડવાની ચિંતા હોવી જોઈએ, તેમને માત્ર પોતાના હોદ્દા ટકાવી રાખવામાં જ રસ હતો. પક્ષમાં ચાલતી સરમુખત્યારશાહી પર પ્રહાર કરતા રાણાએ ખુલાસો કર્યો કે, પક્ષના સંગઠનમાં પાયાના કાર્યકરોની કિંમત શૂન્ય કરી દેવામાં આવી છે. તાલુકાના ઉપ પ્રમુખ હોવા છતાં, તેમના પોતાના જ ગામમાં ચૂંટણીલક્ષી કઈ કામગીરી કરવી કે કઈ રણનીતિ અપનાવવી, તે અંગે પણ તેમને પૂછવાની તસ્દી લેવામાં આવી ન હતી. બની બેઠેલા નેતાઓએ પાયાના નેતાઓને અંધારામાં રાખીને લીધેલા નિર્ણયોએ આજે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.મારા ગામમાં શું કરવું એ પણ મને પૂછ્યું નહીં!બની બેઠેલા નેતાઓને ઔકાત બતાવવા હોદ્દા માટે પણ ચૂંટણીની માંગ, ટૂંક સમયમાં રાજીનામું આપવાની ચીમકી: મકસુદ્દીન રાણાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે સંગઠનના હોદ્દાઓ માટે પણ આંતરિક ચૂંટણી થવી જોઈએ. જો લોકશાહી ઢબે હોદ્દારોની વરણી થાય, તો જ આ ‘બની બેઠેલા’ નેતાઓને તેમની સાચી ‘ઔકાત’ અને જનતામાં તેમનું વજૂદ શું છે તેની ખબર પડે. સત્તાના નશામાં ચૂર નેતાઓએ પક્ષને ઘરભેગો કર્યો છે અને જો આ જ પદ્ધતિ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં વાગરામાં કોંગ્રેસ શોધવી મુશ્કેલ બનશે. પક્ષની કાર્યપદ્ધતિથી કંટાળીને મકસુદ્દીન રાણાએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેશે. નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણના અને પક્ષના પતનને નજરે જોતા રહેવા કરતા પક્ષમાંથી મુક્ત થવું બહેતર હોવાનું જણાવી તેમણે હાઈકમાન્ડ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. એક પછી એક પાયાના નેતાઓના આ બળવાએ સાબિત કરી દીધું છે કે વાગરા કોંગ્રેસ હવે પતનના અંતિમ આરે ઉભી છે.વાગરા કોંગ્રેસમાં આમને-સામને, કોંગ્રેસ મારા બાપની જાગીર નથી! આસિફ પટેલનો પલટવાર, જૂથવાદની પોલ ખોલી: વાગરા કોંગ્રેસમાં મચેલા ઘમસાણ વચ્ચે હવે તાલુકા પ્રમુખ આસિફ પટેલે મૌન તોડ્યું છે. પક્ષના અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવતા આસિફ પટેલે અત્યંત આકરા તેવર અપનાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, જેઓ આજે આક્ષેપો કરી રહ્યા છે, તેઓ પોતે જ ચૂંટણીમાં પક્ષના પ્રચારથી અળગા રહ્યા હતા. કોંગ્રેસ કોઈના બાપની જાગીર નથી, તેમ કહી તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને આડે હાથ લીધા છે. આસિફ પટેલે ઝાબિર પટેલ અને મકસુદ્દીન રાણા પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઝાબિર ભાઈને વારંવાર ફોન કરવા છતાં તેઓ પ્રચાર માટે ક્યારેય બહાર નીકળ્યા ન હતા. બીજી તરફ, મકસુદ્દીન રાણાએ પણ ચૂંટણીમાં પક્ષ માટે કોઈ જ સક્રિય કામગીરી કરી નથી. માત્ર હોદ્દાઓ સાચવીને બેસી રહેનારા આ નેતાઓ આજે હારનું ઠીકરું બીજાના માથે ફોડી રહ્યા છે. આસિફ પટેલે પડકાર ફેંક્યો હતો કે, આક્ષેપો કરનારા નેતાઓ પહેલા પોતાની ચૂંટણી લક્ષી કામગીરીનો હિસાબ આપે, માત્ર નિવેદનો આપવાથી જીત મળતી નથી.ઈમ્તિયાઝ પટેલ પર પ્રમુખનો ગંભીર આક્ષેપ, BJP ના ઉમેદવારને શુભેચ્છા આપો છો?: યુથ કોંગ્રેસના ઈમ્તિયાઝ પટેલના આક્ષેપો પર વળતો પ્રહાર કરતા આસિફ પટેલે સનસનીખેજ ખુલાસો કર્યો હતો કે, જેઓ પક્ષના વફાદાર હોવાનો દાવો કરે છે, તેઓ જ ભાજપના ઉમેદવારને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આસિફ પટેલે વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે કોંગ્રેસના જ હોદ્દેદારો ભાજપને જીતાડવા માટે અંદરખાને મથતા હોય, ત્યારે પક્ષની હાર તો નક્કી જ હોય. તેમણે ટકોર કરી હતી કે, રાજકારણને રાજકારણની જગ્યાએ રાખો, અંગત લડાઈમાં ન પડો. તાલુકા પ્રમુખે મક્કમતાથી જણાવ્યું હતું કે, તેઓ પદના મોહમાં નથી, પણ પક્ષ અને જનતા માટે સમર્પિત છે. જે નેતાઓ પક્ષમાં રહીને જ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તે તમામની વિગતો અને પુરાવાઓ સાથે હાઈકમાન્ડને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.નેતાઓના અહંકાર, આક્ષેપો અને આંતરકલહે ગઢ ડૂબાડ્યો, શું આ પંજાના પતનનો અંતિમ અધ્યાય? સમગ્ર ઘટનાક્રમ અને સામસામે થયેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વાગરા કોંગ્રેસમાં જૂથવાદની જે આગ વર્ષોથી અંદરખાને સળગી રહી હતી, તે હવે પક્ષના પતનના મુખ્ય કારણ તરીકે બહાર આવી છે. એકતરફ વરિષ્ઠ આગેવાનો અને યુવા નેતૃત્વ સંગઠનની નિષ્ફળતા અને અહંકારને દોષ આપી રહ્યા છે, તો બીજીતરફ તાલુકા પ્રમુખ આસિફ પટેલે આ તમામ વિરોધને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને અંગત સ્વાર્થ ગણાવી વળતો પ્રહાર કર્યો છે. પાયાના કાર્યકરોની અવગણના, ચૂંટણી રણનીતિમાં ખામી અને પરસ્પર અવિશ્વાસના વાતાવરણે કોંગ્રેસના આ ‘અભેદ્ય’ ગઢને ધરાશાયી કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ આંતરિક કકળાટને ડામીને પક્ષમાં નવજીવન ફૂંકે છે કે પછી નેતાઓના આ અહંકારની લડાઈમાં વાગરામાંથી પંજાનું અસ્તિત્વ હંમેશ માટે ભૂંસાઈ જશે. જનતા જનાર્દન એ તો પોતાનો ચુકાદો આપી દીધો છે, પરંતુ હવે પક્ષ માટે આ હાર આત્મમંથન કરવાનો અને લાગવગશાહી છોડી લાયકાતશાહી અપનાવવાનો અંતિમ સમય છે.કોંગ્રેસમાં આંતરિક વિખવાદની ચરમસીમા, શું બળવો પક્ષના પાયા હચમચાવશે? ​હાલમાં કોંગ્રેસ પક્ષમાં જે રીતે નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે, તેણે રાજકીય ગરમાવો વધારી દીધો છે. બંધ બારણે ચાલતી નારાજગી હવે જાહેરમાં દેખાઈ રહી છે, જે પક્ષની શિસ્ત સામે મોટા સવાલો ઊભા કરે છે. જ્યારે વરિષ્ઠ અને પાયાના નેતાઓ એકબીજા સામે મોરચો માંડે છે, ત્યારે કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાય છે. શું આ માત્ર સત્તા કે પદ માટેની લડાઈ છે, કે પછી વિચારધારાનું ઘર્ષણ? તે પ્રશ્ન અત્યારે કેન્દ્રસ્થાને છે. નારાજ નેતાઓ પક્ષમાં રહીને પરિવર્તન લાવશે કે પછી ‘બળવો’ કરીને નવો રસ્તો પકડશે, તેનો જવાબ સમયના ગર્ભમાં છુપાયેલો છે. જો કે, એક વાત સ્પષ્ટ છે કે જો આ કલહ વહેલી તકે શાંત નહીં થાય, તો આગામી ચૂંટણીઓમાં પક્ષને તેનું મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.