આમોદ શહેરના દરબારી વિસ્તારમાં આવેલા ફૈઝુલ ઇસ્લામ મદ્રેસા ખાતે આજે ધાર્મિક શિક્ષણ અને બાળપ્રતિભાનો અનોખો સંગમ જોવા મળ્યો. મદ્રેસા સંચાલકો દ્વારા એક ભવ્ય જલશાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના ભૂલકાઓએ ઇસ્લામિક જાણકારીઓ અને ધાર્મિક વિધિઓની અદ્ભુત રજૂઆત કરી ઉપસ્થિત સૌ કોઈનાં દિલ જીતી લીધાં.સમગ્ર કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફની તિલાવતથી થઈ.
ત્યારબાદ મદ્રેસાના વિદ્યાર્થીઓએ એક પછી એક ઇસ્લામિક વિષયો પર જાણકારી આપી. બાળકોએ હદીસ શરીફની વાતો, નમાઝના ફરાઈજ , મુકદ્દસ કિતાબ કુરાન શરીફના ઝિકર અને દીન-એ-ઇસ્લામના સુનેહરા ઇતિહાસનું સુંદર વર્ણન કર્યું. પયગંબર સાહેબ (સ.અ.વ.)ની યાદમાં સલાતો સલામ પઢવામાં આવી, જે સાંભળી સમગ્ર માહોલ ઈમાનીયતથી ગાજી ઉઠ્યો. દરેક વિદ્યાર્થીએ પૂરી તૈયારી અને ઉત્સાહ સાથે પોતાનો ભાગ રજૂ કર્યો, જે તાલીમની ઉંડી અસર દર્શાવતો હતો.
આ જલશા દરમિયાન મદ્રેસાની વાર્ષિક પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું. વિજેતા અને ઉત્તમ પ્રદર્શન કરનારા બાળકોને ખાસ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઈનામ મેળવનારા ભૂલકાઓના ચહેરા પર આનંદ અને ગૌરવની લાગણી છલકાઈ રહી હતી, તો વાલીઓની આંખોમાં ખુશીના આંસુ હતા.કાર્યક્રમમાં મદ્રેસામાં ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના આલિમો, મુતવલ્લીઓ અને ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
ઉપસ્થિત સૌ કોઈએ હાજર તાલિબે ઇલ્મ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અંતે સૌએ સલામતી અને એકતાની દુઆ ફરમાવી. ફૈઝુલ ઇસ્લામ મદ્રેસાના આ જલશાએ શૈક્ષણિક વિકાસ સાથે સામાજિક સમરસતાનો સંદેશ પ્રસારિત કર્યો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023