Geo Gujarat News

વાગરા: કેમિકલ સ્લજ ભરેલા ટ્રેલરમાંથી રોડ પર ઢોળાયું કેમિકલ, મોટી દુર્ઘટના ટળી, પોલીસે કાર્યવાહી કરી..

જાહેર માર્ગો પર કેમિકલ ઠાલવતા ટ્રેલરો સામે ક્યારે થશે કડક કાર્યવાહી?: વાગરા તાલુકામાં ગત મોડી રાત્રે કેમિકલ ભરેલા એક ટ્રેલરમાંથી કેમિકલ સ્લઝ ઢોળાવવાની ઘટના સામે આવી છે. વાગરા હોસ્પિટલ ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો દોડતો થયો હતો. જાહેર માર્ગ પર કેમિકલ ઢોળાવવાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૧૧:૪૫ વાગ્યે એક ટ્રેલર નંબર GJ-23-AT-6330 જે સાયખા જી.આઈ.ડી.સી. માં આવેલી ભાવીન ઇન્ટરમીડિએટ પ્રા.લી. કંપનીમાંથી કેમિકલ સ્લજ ભરીને જંબુસર તાલુકાના મગણાદ ખાતે આવેલી શેફ એન્વાયરો પ્રા.લી. કંપનીમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન સારણ ત્રણ રસ્તાથી વાગરા દવાખાના ચોકડી વચ્ચેના માર્ગ પર ટ્રેલરમાંથી કેમિકલ સ્લજ રોડ પર ઢોળાયું હતું.શું GPCB માત્ર તમાશો જોશે?: આ ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક અને સલામતીના ભાગરૂપે પગલાં લીધા હતા. આ મામલે પોલીસ ચોપડે વિધિવત જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેમિકલ ઢોળાવવાને કારણે માર્ગ પર લપસણું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. હાલમાં આ કેમિકલ કેટલું જોખમી હતું અને ટ્રેલરમાં પેકિંગમાં ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે હાલ ટ્રેલરને સાઈડમાં કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.GIDC માં અવારનવાર જોખમી કેમિકલના સ્લજ ઢોળાવાથી પર્યાવરણ અને જાનમાલ સામે ગંભીર ખતરો, ચિંતાજનક સ્થિતિ: ઉલ્લેખનીય છે કે, સાયખા જીઆઈડીસી સહિત આસપાસના જાહેર માર્ગો ઉપર કેમિકલના સ્લજ ઢોળાવાની આ કોઈ પહેલી વારની ઘટના નથી. સાયખા જીઆઈડીસીમાં જાહેર માર્ગો ઉપર આ રીતે અવાર નવાર આવા કૃત્યો થતા જ હોય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો કરે છે. આ પ્રકારના જોખમી પ્રવાહી રોડ પર ઢોળાવાથી પર્યાવરણને લાંબાગાળાનું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકોમાં આ અંગે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેઓ આવી ઘટનાઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વધુમાં, આવી અવારનવાર ઘટનાઓ પ્રશાસન અને જીઆઈડીસી વહીવટીતંત્રની બેદરકારી સામે સવાલો ઉભા કરે છે. જો સત્વરે આવા બનાવો રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં ન આવે, તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે.શું GPCB બેજવાબદાર કંપની અને ટ્રાન્સપોર્ટ સામે કડક કાર્યવાહી કરશે? પર્યાવરણના રખેવાળોની ભૂમિકા સામે સવાલ: સાયખા જીઆઈડીસીમાં અવારનવાર બનતી કેમિકલ સ્લજ ઢોળાવાની ઘટનાઓએ હવે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી બેજવાબદાર કંપનીઓ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરશે? જાહેર માર્ગો પર ઝેરી કચરો ઠાલવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા એકમો સામે માત્ર નોટિસ આપીને સંતોષ મનાશે કે પછી તેમના લાયસન્સ રદ કરવા જેવા કડક પગલાં ભરાશે તે જોવું રહ્યું. વારંવાર બનતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો GPCB અને વહીવટી તંત્ર દ્વારા તત્કાલ દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોની આવી બેદરકારી કોઈ મોટી જનહાનિ કે પર્યાવરણીય હોનારતને નોતરું આપશે એ નક્કી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.