આમોદ તાલુકાના પુરસા ગામમાં રાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં એક મહાકાય અજગર દેખાતા સમગ્ર ગામમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘરના વાડામાં અજગર હોવાનું જોતા જ ઘરમાલિકે તાત્કાલિક આમોદ વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે ટીમે રાતોરાત ઘટના સ્થળે પહોંચી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુરસા ગામે રહેતા કરશનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં રાત્રીના સમયે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. ઘરમાલિકે તરત જ આમોદ વન વિભાગને જાણ કરતા, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા.
નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરો અંકિત પરમાર અને હેમંત પરમાર તાત્કાલિક રાતોરાત પુરસા ગામે પહોંચ્યા હતા. ઘરના વાડામાં છુપાયેલા અજગરને શોધી કાઢવામાં ભારે જહેમત થઈ હતી, પરંતુ આખરે આશરે 8 ફૂટ લાંબા આ મહાકાય અજગરે પોતાની પકડ છોડાવવા ઘણા દાવપેચ કર્યા, પરંતુ અંકિત અને હેમંતે તેને સલામત રીતે રેસ્ક્યૂ કરી લીધો.રેસ્ક્યૂ બાદ અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને તેના નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
રહેણાંક વિસ્તારમાં આટલા મોટા અજગરના દેખાવાથી લોકોમાં ભારે ભય અને ગભરાટ છવાઈ ગયો હતો. જોકે, વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે રાત્રીના સમયે જ તાબડતોડ કાર્યવાહી કરી અજગરનો કબ્જો મેળવી લેતા આસપાસના લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમની કામગીરીને બિરદાવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023