ગ્રામ્ય પ્રતિભાએ શહેરી સુવિધાઓને પાછળ છોડી દેતો એક અનોખો દાખલો સામે આવ્યો છે. ભરૂચની હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી કોલવણા ગામની દીકરી સફીનાઝ સાજીદ જમાદારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈપણ જાતના ટ્યૂશન વગર 92.85% ગુણ મેળવીને શાળામાં ટોપ કર્યું છે. સફીનાઝની આ સિદ્ધિએ સમગ્ર કોલવણા ગામનું ગૌરવ વધાર્યું છે.સફીનાઝે માત્ર શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સ્વ-અભ્યાસના બળે આ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું. આજના મોંઘા ટ્યૂશન અને કોચિંગ ક્લાસિસના યુગમાં તેની સિદ્ધિએ સાબિત કરી દીધું કે જો આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ધ્યેય હોય તો સફળતા માટે બાહ્ય સહારાની જરૂર નથી રહેતી. ગામના સરપંચ ઝફર ગડીમલ સહિત ગ્રામજનોએ દીકરી પર અભિનંદનનો વરસાદ કર્યો છે. સફીનાઝના પિતા સાજીદભાઈ જમાદાર પોતે ગ્રેજ્યુએટ છે અને શિક્ષણના મહત્વને સારી રીતે સમજે છે. તેમણે શરૂઆતથી જ દીકરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું, જેથી ભવિષ્યમાં તેણીને કોઈ અડચણ ન આવે. સાજીદભાઈએ જણાવ્યું, “દીકરીએ મારી આશાઓ પર ખરી ઉતરી છે. 92.85% એ માત્ર આંકડો નથી, પણ અમારા સપનાનું સાકાર સ્વરૂપ છે. આજે કોલવણાની ગલીઓમાં માત્ર સફીનાઝની ચર્ચા છે. તેની આ સિદ્ધિએ ફરી સાબિત કર્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રતિભાના ખજાના ભરેલા છે અને યોગ્ય માર્ગદર્શન મળે તો દીકરીઓ કોઈપણ શિખર સર કરી શકે છે.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023