જંબુસર તાલુકાના કનગામના ઔરંગપુર ટીબી માર વગા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક શોર્ટ સર્કિટના કારણે ખેડૂતના આખા વર્ષની મહેનત પલભરમાં રાખમાં ફેરવાઈ ગઈ છે. ખેતરની અડીને આવેલી પવનચક્કીમાં અચાનક સર્જાયેલા શોર્ટ સર્કિટે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાઈના લહેરાતા પાકને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનામાં ચાર એકરમાં ઉભેલો તૈયાર પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતને મોટું રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કનગામના વતની દલપતભાઈની માલિકીની ચાર એકર જમીન વારેજા નર્મદા વસાહતના ઝાંઝરીયાભાઈ ભાગે રાખીને ખેતી કરતા હતા. રાત-દિવસ એક કરીને તેમણે મકાઈનું મબલખ વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. પવનચક્કીમાંથી ઉઠેલા તણખલાઓએ મકાઈના ખેતરમાં એવી ભીષણ આગ લગાડી કે જોતજોતામાં ચારેય બાજુ ધુમાડાના ગોટા અને રાખના ઢગલા જોવા મળ્યા હતા.
ઘટનામાં એક આખી ટ્રેક્ટર ટ્રોલી ભરાય તેટલા તૈયાર મકાઈના ડોળા બળી ગયા હતા. અંદાજે 5,000 થી 6,000 જેટલા ઘાસના પૂળા અગ્નિદેવની ચપેટમાં આવી ગયા. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં પીડિત ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વરસેલી આ આફત બાદ લાચાર ખેડૂતે સરકાર અને વહીવટી તંત્ર પાસે આશાભરી નજરે જોતા માંગ કરી છે કે, આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે અને થયેલા આર્થિક નુકસાન બદલ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com