Geo Gujarat News

વાગરા: ઝેરી કેમિકલના ગેરકાયદે ખેલ પર ક્રાઇમ બ્રાન્ચની સર્જિકલ સ્ટ્રાઈક, પર્યાવરણના દુશ્મનો બેનકાબ!

બનાવટી દસ્તાવેજોનો માસ્ટરપ્લાન અને ખાડીમાં ઝેર રેડવાની પેરવી!: ઔદ્યોગિક હબ ગણાતા વાગરામાં માત્ર ઉત્પાદન જ નહીં, પણ મોતનો વેપાર પણ ધમધમી રહ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. સાયખા GIDCની માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માનવ જીવ અને પર્યાવરણની ધરાર અવગણના કરીને અત્યંત જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મસમોટું કૌભાંડ એલ.સી.બી. ભરૂચે ઝડપી પાડ્યું છે. નફાની લાલચમાં અંધ બનેલા ઉદ્યોગપતિઓ કઈ હદે જઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ગત ૧૧ એપ્રિલના રોજ એલ.સી.બી.ની સતર્કતાએ એક મોટી હોનારત ટાળી દીધી હતી. જોલવા ગામની ખાડીમાં જ્યારે એક ટેન્કર નંબર RJ-09-GC-7832 જે ચૂપચાપ ઝેર ઓકવાની તૈયારીમાં હતું, ત્યારે જ પોલીસે તરાપ મારી હતી. ધરપકડ કરાયેલા ડ્રાઈવર સંદીપસિંહે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે Kaizen Pharmaceutical ના નામે નકલી ઇનવોઇસ અને બોગસ E-Way Bill રજૂ કર્યા હતા. GST નંબર અને પ્રતિષ્ઠિત કંપનીઓના નામનો દુરુપયોગ કરીને આ ગુનેગારોએ કાયદાના રક્ષકોને છેતરવાનું આખું માળખું ઊભું કર્યું હતું, જે તપાસમાં પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું છે. GPCB અને FSL ના રિપોર્ટે સૌના હોશ ઉડાવી દીધા છે. ઝડપાયેલું કેમિકલ એટલું જલદ અને ઝેરી હતું કે તેની pH વેલ્યુ ૨ થી પણ ઓછી નોંધાઈ છે. આ કેમિકલ જો ખાડીમાં ઠાલવવામાં આવ્યું હોત, તો જળચર સૃષ્ટિનો તો સોથ વળી ગયો હોત, પણ સાથે સાથે ભૂગર્ભ જળ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોના આરોગ્ય સામે કાયમી ખતરો ઊભો થયો હોત. આ માત્ર પ્રદૂષણ નથી, પણ નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સામે કરવામાં આવેલો એક પદ્ધતિસરનો ક્રાઇમ છે.કાયદાનો ગાળિયો કસાયો, માલિકો અને મળતિયાઓ સામે આકરી કાર્યવાહી: આ કેમિકલ કાંડમાં મુખ્ય સૂત્રધાર એવા કંપનીના માલિક અંબરીસ ગીરીશભાઈ માલવી સહિત રાજકોટના હરીકૃષ્ણ ચૌહાણ, યોગેન્દ્રસિંહ અને રાહુલ જેવા શખ્સોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૬, ૨૮૭, ૩૩૬, ૩૩૮ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી આ ગુનેગારો સામે કડક કાનૂની સકંજો કસ્યો છે. પોલીસે અંદાજે ૧૦.૪૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનાએ અનેક વેધક સવાલો ઊભા કર્યા છે. શું આ માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝનો પહેલો ગુનો છે? કે પછી લાંબા સમયથી સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આ ગોરખધંધો ચાલતો હતો? GPCB ની ચેકપોસ્ટો અને મોનિટરિંગ સિસ્ટમ વચ્ચે આવા મોતના ટેન્કરો કેવી રીતે રસ્તા પર ફરે છે? હાલ તો એલ.સી.બી. અને દહેજ પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ ઘટનાએ ઉદ્યોગ જગતના કાળા ચહેરાને ફરી એકવાર લોકો સમક્ષ ખુલ્લો પાડી દીધો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.