વાગરા તાલુકામાં આવેલા ગંધાર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગંધાર સોલ્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામગીરી દરમિયાન લોખંડનો વિશાળ શેડ ટેન્ક સહિત અચાનક ધરાશાયી થતા એક વયસ્ક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે આશરે 10:00 વાગ્યાના અરસામાં કંપનીમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગંધાર ગામના જ રહેવાસી અને વર્ષોથી શ્રમકાર્ય કરતા રમેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 56 ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. અચાનક લોખંડનો ભારેખમ શેડ કોઈ કારણોસર તૂટી પડ્યો હતો. રમેશભાઈ શેડની બિલકુલ નીચે હોવાથી તેમને ભાગવાની તક મળી ન હતી અને ટનબંધી લોખંડના કાટમાળ નીચે તેઓ દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
આ અકસ્માત બાદ કંપની પરિસરમાં વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક ગ્રામજનો અને મૃતકના પરિજનોએ કંપની ખાતે દોડી આવી ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આશરે 5 કલાક સુધી ચાલેલી મડાગાંઠ બાદ, સાંજે 4:00 વાગ્યે કંપની વહીવટી તંત્ર અને પરિવાર વચ્ચે સુખદ સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.
પરિવારની સહમતી બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ 2 JCB અને 1 ક્રેનની મદદથી કાટમાળ ખસેડી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્રએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com