આમોદ પાસે આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક ટ્રકનું ટાયર અચાનક ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બાજુમાંથી પસાર થતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં રાજકોટના એક પરિવારની મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિને ઈજાઓ પહોંચી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કર્તવ્ય જલારામ સોસાયટીમાં રહેતા ફાલ્ગુનભાઈ દિનેશભાઈ તારપરા પોતાની સફારી ગાડી નંબર GJ-03-PM-3019 લઈને પત્ની ડિમ્પલબેન સાથે રાજકોટથી સુરત ખાતે પોતાના સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા. રવિવારે વહેલી સવારે આશરે ૫:૪૫ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ આમોદના માતર ગામની સીમમાં માતર ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી એક ટ્રક નંબર GJ-36-V-4900 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટ્રકનું પાછળનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને ફાલ્ગુનભાઈની કારના ડ્રાઈવર સાઈડની વિરુદ્ધ એટલે કે ક્લીનર સાઈડમાં જોરથી અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા ૩૮ વર્ષીય ડિમ્પલબેન ફાલ્ગુનભાઈ તારપરાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ફાલ્ગુનભાઈને માથાના ભાગે અને હાથમાં સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આમોદ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૧૨૫(એ), ૨૮૧ તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલ આ મામલે આગળની તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એફ.એસ.એલ.ની ટીમ દ્વારા પણ ઘટનાસ્થળની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023