Geo Gujarat News

વાગરા: પહાજ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ગેલ ઈન્ડિયાની ફાયર ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી

વાગરા તાલુકામાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દહેજથી મુલેર ચોકડી થઈ વાગરા તરફ આવી રહેલું એક કેમિકલ ભરેલું ટેન્કર પહાજ ગામની સીમમાં અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. ટેન્કર પલટી જવાની જાણ થતા જ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ કોલના પગલે ગેલ ઈન્ડિયા લિમિટેડના ફાયર ટેન્ડરો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સંભવિત આગ કે લીકેજની સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર ફાયટરોએ તકેદારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દીધી હતી.ઘટનાની ગંભીરતાને જોતા વાગરા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને પગલે રસ્તા પર સર્જાયેલી ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરી હતી અને ટેન્કરને સલામત રીતે ખસેડવા તેમજ અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. ટેન્કરમાં કયા પ્રકારનું કેમિકલ ભરેલું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. કેમિકલ જોખમી છે કે કેમ તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. જોકે સદનસીબે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કેમિકલના પ્રકાર વિશે સ્પષ્ટતા ન થતા આસપાસના વિસ્તારમાં કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અકસ્માત બાદની સ્થિતિ વધુ ગંભીર જણાતી હોય તેમ, પલટી મારેલા ટેન્કરમાંથી અચાનક રહસ્યમય ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને ફફડાટ વ્યાપી ગયો છે. આ ધુમાડાને કારણે કેમિકલ લીકેજની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે, જેના પગલે કોઈ મોટી દુર્ઘટના કે ઝેરી ગેસ ગળતર ન થાય તે માટે ગેલ ઈન્ડિયાના ફાયર ફાઈટરોએ સતર્કતા વધારી દીધી છે. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ કે અન્ય કોઈ આડઅસર ન થાય તે માટે પોલીસ દ્વારા પણ લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.