અરગામાં-દયાદરા માર્ગ પર વન્યજીવની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન તેજ: વાગરા તાલુકામાં દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં અરગામાં-દયાદરા માર્ગ પર દીપડો જોવા મળ્યો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. રાત્રીના સમયે અરગામાં અને દયાદરા વચ્ચેના મુખ્ય માર્ગ પર દીપડો લટાર મારતો હોવાનું કેટલાક રાહદારીઓના નજરે પડ્યું હતું. આ અંગેના ફોટા વાયરલ થતા જ એક જાગૃત નાગરિકે તાત્કાલિક વાગરા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે કોઈ પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી દીપડાના પગમાર્ક અને અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે.
અગાઉ પણ પાંજરું ગોઠવ્યું હતું, પણ દીપડો હાથ તાળી આપી ગયો!: ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દીપડો દેખાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ દીપડાની અવરજવરના વીડિયો વાયરલ થયા હતા. જેને પગલે વન વિભાગ દ્વારા તેને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. જોકે, તે સમયે દીપડો પાંજરે પુરાયો ન હતો. હવે ફરીથી દીપડાની સક્રિયતા વધતા વન વિભાગની ચિંતામાં વધારો થયો છે. દીપડાની હાજરીને જોતા વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતી વખતે અત્યંત સાવધાની રાખવી અને બને ત્યાં સુધી એકલા મુસાફરી કરવાનું ટાળવું, તેમજ સીમ વિસ્તારમાં કે ખેતરમાં પાણી વાળવા અથવા અન્ય કામ માટે જતી વખતે જૂથમાં રહેવું અને સાથે ટોર્ચ કે લાકડી રાખવા અપીલ કરાઈ છે. જો ફરી દીપડો દેખાય તો તેની પાછળ ભાગવાને બદલે અથવા પજવણી કરવાને બદલે તુરંત વન વિભાગને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી. હાલમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com